નવી દિલ્હીઃ દિલ્હી જળ બોર્ડ સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને જામીન આપી દીધા છે. કોર્ટે સત્યેન્દ્ર જૈનને બે લાખ રૂપિયાના પર્સનલ બેલ બોન્ડ અને બે જામીનદાર રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા જૈન પર દિલ્હી જળ બોર્ડના STP કૌભાંડમાં સંડોવણીના આરોપ છે. આ સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈન તરફથી વકીલ એન. હરિહરને દલીલ કરી હતી કે કેસ નોંધાયાના 27 મહિના બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની માત્ર એક વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને જ્યારે તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
સત્યેન્દ્ર જૈનના વકીલે શું કહ્યું?
સત્યેન્દ્ર જૈનના વકીલે જણાવ્યું હતું કે કેસ સાથે જોડાયેલી તમામ દસ્તાવેજી સ્વરૂપની છે અને સંબંધિત તમામ સામગ્રી તપાસ એજન્સીઓ પહેલેથી જ કબજે કરી ચૂકી છે. બીજી તરફ, ACBએ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન આદતન ગુનેગાર છે. ACBએ કહ્યું હતું કે જામીન અરજી પર નિર્ણય લેતી વખતે આ મુદ્દાને પણ ધ્યાનમાં લેવો જોઈએ.
સત્યેન્દ્ર જૈનની દિલ્હી જળ બોર્ડની STP યોજનાઓની ટેન્ડર પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓના કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) દ્વારા 18 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
VIDEO | Delhi: AAP Delhi president Saurabh Bharadwaj, reacting to the Rouse Avenue Court granting bail to former Delhi minister Satyendar Jain in the alleged Delhi Jal Board tender case, says, “The BJP’s Operation Punjab has failed today. In the first round of the political fight… pic.twitter.com/II0hHHJ8bq
— Press Trust of India (@PTI_News) September 3, 2026
ACBએ શું માગ કરી?
ACBએ જામીનનો વિરોધ કરતાં કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈન આદતન ગુનેગાર છે. તપાસ એજન્સીએ કહ્યું હતું કે જામીન અરજી પર નિર્ણય લેતી વખતે આ પાસાને પણ ધ્યાનમાં લેવો જોઈએ. આ કેસ મે, 2024માં દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટની ફરિયાદને આધારે નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં દિલ્હી જળ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના અપગ્રેડેશન સાથે જોડાયેલા કોન્ટ્રેક્ટમાં કથિત રીતે ટેન્ડરની શરતોમાં હેરફેર, ગુનાહિત કાવતરું અને શંકાસ્પદ લાંચની ચુકવણીના આરોપો લગાવવામાં આવ્યા છે. આ અગાઉ 19 ઓગસ્ટે કોર્ટે સત્યેન્દ્ર જૈનની ધરપકડને ગેરકાયદે જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. હવે ગુરુવારે કોર્ટના આદેશ બાદ સત્યેન્દ્ર જૈનને આ કેસમાં જામીન મળી ગયા છે.




