રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો રંગારંગ પ્રારંભ

રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા પાંચ દિવસના લોકમેળાનો આજે સાંજે રાંધણ છઠના દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરીયાએ આરંભ કરાવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે ગુજરાત સરકારની કડક ગાઈડ લાઇનને કારણે અમુક શહેરોમાં મેળા રદ કરવામાં આવ્યા છે. રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં તારીખ 14થી 18 ઓગસ્ટ સુધી શોર્ય સિંદૂર લોકમેળાનો આજથી આરંભ થયો છે.

આ ભાતીગળ લોકમેળામાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 10 લાખ લોકો મજા માણવા આવે તેવો અંદાજ છે. રાજકોટના આ લોકમેળાનું સમગ્ર આયોજન કલેક્ટર તંત્ર કરે છે.

રાજકોટના લોકમેળા માટે સૌરાષ્ટ્રમાંથી ખાસ એસ.ટીની બસો મૂકવામાં આવી છે. આ મેળામાં ખાણી પીણી, ફજર, ચકરડી, યાંત્રિક રાઇડ, રમકડા, આઇસ્ક્રીમ મળીને 200 જેટલા સ્ટોલ છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.

લોકમેળાની સુરક્ષા માટે 2000 જેટલા પોલીસ જવાનો મૂકવામાં આવ્યા છે. ઇમરજન્સી માટે ખાસ ગેઇટ, ક્રાઉડ કંટ્રોલ માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. પાંચ વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે.

તેમજ સુરક્ષા માટે ખાસ Ai ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. મેળામાં આવનાર લોકો માટે મેડિકલ ઇમરજન્સી માટે ખાસ હેલ્થ ડોમ ઊભો કરાયો છે.  વાહનો માટે 15 ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિને જુદા જુદા સ્ટોલ અને આકર્ષક પ્રવેશ દ્વારથી અહીં પ્રદર્શિત કરાઈ છે. મોડી રાત સુધી રાજકોટનો આ મેળો ચાલે છે.

(તસવીર : નિશુ કાચા)
(અહેવાલ : દેવેન્દ્ર જાની)