દિલ્હી હાઈકોર્ટની ફટકાર બાદ સૌરવ-રાંકાએ અરજી પાછી ખેંચી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં CJP (કોકરોચ જનતા પાર્ટી)ના કાર્યકર્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકા દ્વારા તેમની અટકાયતનો સમયગાળો વધારવાના આદેશોને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સૌરવ રાંકાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. અરજદારો તરફથી હાજર રહેલા વકીલ અભિક ચિમનીએ 14 અને 19 ઓક્ટોબરે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) દ્વારા પસાર કરવામાં આવેલા આદેશોને રદ કરવાની માગ કરી હતી.

આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વારંવાર સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે કાયદામાં અપીલ અને અન્ય વૈકલ્પિક ઉપાયો ઉપલબ્ધ છે, ત્યારે અરજદારો સીધા બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટમાં શા માટે આવ્યા છે? કોર્ટે બોન્ડની શરતોના ઉલ્લંઘન, જામીનદારોને નકારવા અને મેજિસ્ટ્રેટની સત્તા સાથે જોડાયેલા કાનૂની મુદ્દાઓ પર પણ સવાલો કર્યા હતા.

દિલ્હી હાઈકોર્ટમાં સૌરવ દાસ અને આશુતોષ રાંકા કેસની સુનાવણી

હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમણે બોન્ડની શરતોનો ભંગ કર્યો છે અને પ્રતિબંધિત જાહેર કરાયા બાદ પરવાનગી વિના જંતર-મંતર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ના એ આદેશને પડકાર્યો હતો, જેના દ્વારા તેમની ન્યાયિક અટકાયતનો સમયગાળો વધારવામાં આવ્યો હતો. બુધવારે તેમની ન્યાયિક અટકાયતનો સમયગાળો પૂરો થઈ રહ્યો છે.

હાઈકોર્ટે કહ્યું, તમે બોન્ડની શરતોનો ભંગ કર્યો છે

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે તમે બોન્ડની શરતોનો ભંગ કર્યો છે. તમે એવી વ્યક્તિ છો, જેમણે બોન્ડનું ઉલ્લંઘન કર્યું છે. શું બોન્ડની શરતોનો આગ્રહ રાખવો એટલો ગેરકાયદે હોઈ શકે છે? પ્રતિબંધ લાગુ થયા બાદ તમે પરવાનગી વિના જંતર-મંતર ગયા હતા.

અદાલતે કહ્યું હતું કે કેટલાક લોકો એવા પણ હોઈ શકે છે, જેઓ તમારા નિયંત્રણમાં ન હોય. આપણે દેશની બહાર પણ આવી ઘટનાઓ બનતી જોઈ છે. બીજી વખત બોન્ડની શરતોનો ભંગ કરવામાં આવે ત્યારે શું અધિકારીઓ કડક શરતોવાળો બોન્ડ રાખવા માટે હકદાર નથી? દિલ્હી હાઈકોર્ટે દાસ અને રાંકાના વકીલને સૂચન કર્યું હતું કે તેઓ અરજી પાછી ખેંચી લઈને આજે SEM કોર્ટમાં થનારી સુનાવણીની રાહ જોઈ શકે છે. ત્યાર બાદ સૌરવ રાંકાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.