અમરેલી: સાવરકુંડલા પંથકમાં છેલ્લા 30 કલાકથી ધરતીના પેટાળમાં સતત હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને મીતીયાળા પંથકમાં બુધવારથી ગુરૂવાર સુધીમાં નાના-મોટા કુલ 14 ભૂકંપના આંચકા નોંધાતા સ્થાનિક ભય અનુભવી રહ્યા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરી છે.
અવિરત આંચકાઓનો સિલસિલો
રાત્રે 4:15 મિનીટ બાદથી મીતીયાળાવાસીઓ અવિરતપણે ધરતી ધ્રુજતી અનુભવી રહ્યા છે. આ આંચકાઓની અસર માત્ર મીતીયાળા પૂરતી સીમિત ન રહેતા આસપાસના ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળા સહિતના ગામોમાં પણ વર્તાઈ હતી. સતત આવતા આંચકાઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો સુરક્ષાના કારણોસર ઘરની બહાર રહેવાનું પસંદ કરી રહ્યા છે.




