હર્ષિલમાં ચારે બાજુ વિનાશનાં દ્રશ્યઃ 60 લોકો હજી લાપતા

ઉત્તરકાશીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી પાસે મંગળવારે ખીરગંગા નદી ઉપર વાદળ ફાટતાં આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. નદીઓમાં આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે 20થી 25 જેટલી હોટેલ અને હોમસ્ટે વહી ગયા હોવાની માહિતી મળી છે. અંદાજે 60થી વધુ લોકો ગુમ થયેલા હોવાનો અંદાજ છે અને આ સંખ્યામાં હજી વધારો થવાની શક્યતા છે.

રાજ્યના CM પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મિડિયા પર જણાવ્યું હતું કે રાહત અને બચાવ કાર્ય યુદ્ધને ધોરણે ચાલી રહ્યું છે, જેથી અસરગ્રસ્ત લોકો સુધી વહેલી તકે પહોંચી શકાય. વહીવટી તંત્ર મુજબ અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. એ સાથે જ સેનાના 11 જવાનો ગુમ થયા છે.

વાયરલ છે વિનાશનો વિડિયો

આ ભયાનક વિનાશનો એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેમાં ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામ તરફના એક પહાડથી પાણીની ભયંકર પ્રવાહ વહેતો દેખાઈ રહ્યો છે અને થોડી સેકન્ડોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અનેક મકાનોને પોતાના પ્રવાહમાં સમાવી લે છે. આ દરમિયાન લોકોની ચીસો અને ભયનાં દ્રશ્યો સાંભળવા મળે છે. અચાનક જળસ્તર વધી જતાં સ્થાનિક બજાર વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું છે. આ ઘટનાને પગલે ભારતીય સેના, NDRF, SDRF તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે.

ધરાલી પહોંચ્યા CM પુષ્કર સિંહ ધામી

ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી ઘટનાગ્રસ્ત ધરાલી ગામે પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે ગઈ કાલે જે આપદા આવી, તેમાં તમામ એજન્સીઓ કાર્યરત છે. તમામ લોકો આગળ આવીને બચાવના કાર્યમાં જોડાયેલા છે. ગઈ કાલે લગભગ 130 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હજુ પણ શોધખોળ ચાલુ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ CM પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ઉત્તરકાશી જિલ્લાના ધરાલી વિસ્તારમાં આવેલી તાજેતરની આપદા તથા રાહત-બચાવ કામગીરી અંગે વિગતો મેળવી હતી વડા પ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય સહાય આપવાનું આશ્વાસન આપ્યું છે.