લખનૌઃ ઉત્તર પ્રદેશના સરકારી શાળાઓમાં પહેલી એપ્રિલથી 15 એપ્રિલ સુધી “સ્કૂલ ચાલો અભિયાન” ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ રાજ્યની 1.33 લાખ બેઝિકક શાળાઓમાં વધુમાં વધુ નવા પ્રવેશ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. અભિયાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હાલ પણ શાળાઓમાં પ્રવેશપ્રક્રિયા ચાલુ છે, તેમ છતાં રાજ્યનાં યુવા માતા-પિતા સુવિધાઓને અભાવે સરકારી શાળાઓમાં બાળકોનો પ્રવેશ કરાવવાનું ટાળી રહ્યાં છે. તેને કારણે રાજ્યની 41,823 બેઝિક શાળાઓમાં એક પણ નવો પ્રવેશ થયો નથી.
સરકારી આંકડા મુજબ ધોરણ એકમાં શૂન્ય પ્રવેશ ધરાવતી શાળાઓની સંખ્યા 25,595 છે, જ્યારે ધોરણ છમાં કોઈ નવો પ્રવેશ ન થયેલી શાળાઓની સંખ્યા 16,228 છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યની 1.33 લાખ બેઝિક શાળાઓમાંથી લગભગ એક તૃતીયાંશ શાળાઓમાં અત્યાર સુધી નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો નથી.
આ જિલ્લાઓમાં નવા પ્રવેશ નથી થયા
યુપીના જે જિલ્લાઓની સરકારી શાળાઓમાં એક પણ નવા બાળકનો પ્રવેશ થયો નથી, તેમાં લખનૌની પણ 800 શાળાઓ સામેલ છે. તેવી જ રીતે આગ્રામાં 1136 શાળાઓમાં ધોરણ એકમાં કોઈ નવો પ્રવેશ થયો નથી. આગ્રામાં જ ધોરણ છમાં શૂન્ય પ્રવેશ ધરાવતી 507 શાળાઓ મળી આવી છે. પ્રયાગરાજમાં કુલ 2853 સરકારી બેઝિક શાળાઓ છે, જ્યાં ધોરણ એકમાં શૂન્ય પ્રવેશ ધરાવતી 172 અને ધોરણ છમાં 213 શાળાઓ મળી આવી છે. તેવી જ રીતે આંબેડકરનગરમાં ધોરણ એકમાં 255 અને ધોરણ 6માં 208 શાળાઓમાં પ્રવેશ થયો નથી. અમેઠીમાં ધોરણ એકમાં 152 અને ધોરણ છમાં 82 શાળાઓમાં શૂન્ય પ્રવેશ નોંધાયો છે.
આ જ રીતે અમરોહામાં 395 અને 242, આઝમગઢમાં 940 અને 615, બહેરાઈચમાં 945 અને 361 શાળાઓમાં પ્રવેશ થયો નથી. આ આંકડાઓ સામે આવતાં ઉત્તર પ્રદેશમાં શિક્ષણ સુધારણા અંગે કરાયેલા દાવાઓ પર સવાલો ઊભા થયા છે.

શિક્ષણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) સંદીપ સિંહે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે 41,000થી વધુ શાળાઓમાં “સ્કૂલ ચાલો અભિયાન” દરમિયાન એક પણ નવા બાળકનો પ્રવેશ ન થવો શરમની બાબત છે, જ્યારે શિક્ષણ વિભાગમાં રાજ્યથી લઈને જિલ્લાઓ સુધી યોગ્ય અધિકારીઓ નિયુક્ત છે.




