ટ્રેનની ટક્કરથી સ્કૂલ વાનનાં ચીથરાં ઊડ્યાં: ત્રણ વિદ્યાર્થીઓનાં મોત

મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શુક્રવારે એક હૃદયદ્રાવક રેલવે અકસ્માત સર્જાયો હતો. રેલવે ટ્રેક પાર કરતી વખતે એક સ્કૂલ વાનને ઝડપી ગતિએ આવતી ટ્રેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછાં ત્રણ સ્કૂલના વિદ્યાર્થીઓનાં મોત થયાં છે, જ્યારે ચાર અન્ય બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ગોબિંદપુર રેલવે ગેટ પાસે બનેલી આ ઘટનામાં ચાર અન્ય લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર આ અકસ્માત હાવડા જતી નવદ્વીપ ધામ એક્સપ્રેસ પસાર થયાના થોડા સમય પછી થયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નવદ્વીપ ધામ એક્સપ્રેસ રેલવે ફાટક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ક્રોસિંગ બંધ હતું. ટ્રેન પસાર થતાં જ ફાટક ખોલી દેવામાં આવ્યું, જ્યારે એ જ ટ્રેક પર બીજી એક પેસેન્જર ટ્રેન આવવાની હતી.સ્કૂલનાં બાળકોને લઈને જતો વાનચાલક ફાટક ખુલ્લું જોઈને ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે એક સાઇકલ સવાર પણ ટ્રેક પાર કરી રહ્યો હતો. ત્યારે જ ઝડપી ગતિએ આવતી નિમતીતા-કટવા લોકલ ટ્રેને સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારી. પોલીસના જણાવ્યા મુજબ આ ટક્કરને કારણે જ આ દુર્ઘટના બની હતી.

અનેક ઘાયલ બાળકોની હાલત ગંભીર

ટક્કર એટલી ભયંકર હતી કે વાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકો અને પ્રશાસનની મદદથી ઘાયલોને તાત્કાલિક મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જાણવા મળ્યું છે કે અનેક ઘાયલ બાળકોની સ્થિતિ ગંભીર છે.

સ્થાનિક લોકોએ રેલવે પર બેદરકારીના આરોપ લગાવ્યા

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ રેલવે અને ફાટક પર ફરજ પર રહેલા ગેટમેન પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે. લોકોએ રેલવેની સિગ્નલ વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા છે.