અમદાવાદ: ગુજરાતના જુદા જુદા શહેરોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. એમાંય તારીખ 14 થી 20 એપ્રિલ સવારના 8:30 વાગ્યા આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આગામી દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે શહેરના મોટા ટ્રાફિક સિગ્નલો પર ઝેબ્રા ક્રોસિંગ પાસે માંચડા તૈયાર કરી છાંયડો આવે એવી નેટ મુકવામાં આવી છે. સો દોઢસો સેકંડ પર સિગ્નલ ખુલવાની રાહ જોતાં વાહન ચાલકોને છાંયો મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક પોલીસની સાથે મળીને નિરાંત ચાર રસ્તા, સી.ટી.એમ.ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, જવાહર ચોક ચાર રસ્તા , મેમ્કો ચાર રસ્તા પર નેટ લગાવવામાં આવેલ છે.

શહેરમાં 78થી વધારે ટ્રાફિક જંકશનો ટ્રાફિક પોલીસ દ્વારા બ્લિન્કિંગ મોડ પર મૂકવામાં આવ્યા છે. જેથી વાહન ચાલકોને ગરમીમાં ઉભાં રહેવું ના પડે. આ સાથે એ.એમ.સી દ્વારા જુદા-જુદા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. શહેરીજનો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ બગીચા જેવા સ્થળોએ પણ નાગરિક સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)


