સુરક્ષા દળોની કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણઃ એકનું મોત

કુલગામઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન જ્યારે આતંકવાદીઓએ જોયું કે તેમની ઘેરાબંધી થઈ ગઈ છે, ત્યારે તેમણે ગોળીબારી શરૂ કરી દીધી છે. બંને તરફથી ગોળીબારી થઈ રહી છે. જોકે અહીં કેટલા લોકો હાજર છે તેની માહિતી હજુ સામે આવી નથી.

કુલગામ એનકાઉન્ટરમાં એક આતંકીનું મોત થયું છે. એ દરમિયાન સેનાનો એક JCO પણ ઘાયલ થયો છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ હજુ ચાલુ છે. અંદાજ છે કે બેથી ત્રણ આતંકી ઘેરાયેલા છે. એનકાઉન્ટર સવારે આઠ વાગ્યે શરૂ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ગુડાર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ શોધ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર ગોળીબારી શરૂ કર્યા બાદ આ શોધ અભિયાન એનકાઉન્ટરમાં ફેરવાયું હતું.

ભારતીય સેનાની ચિનાર કોરે X પર લખ્યું કે સતર્ક સૈનિકોએ શંકાસ્પદ હલચલ જોવી અને તેમને પડકાર્યા બાદ આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી, જેના બાદ ભીષણ ગોળીબારી થઈ. આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) ઘાયલ થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા

NIA એ સોમવારે પાંચ રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી એક આતંકી કાવતરાથી જોડાયેલા કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લાઓમાં તપાસ ચાલુ છે.