અમદાવાદ: શહેરમાં વાંદરાના કરડવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. GLS ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આ અંગે એક સેમિનાર સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ રીતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમ કે આપણે આ સંઘર્ષને કેવી રીતે ટાળી શકીએ છીએ? વાંદરાઓને માનવી જે ખોરાક ખાય છે (બર્ગર – બિસ્કિટ – કોલા -) એ ખવડાવવાનો કડક પ્રતિબંધ છે.
કારણ કે માનવ ખોરાક અને તેના મસાલા વાંદરાઓના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આ ખોરાક તેમના હોર્મોન્સ પર નકારાત્મક અસર કરે છે અને તેઓ આક્રમક બને છે. મેડિકલ રિસર્ચ અનુસાર તેમને ડાયાબિટીસ, કેન્સર વગેરે જેવા રોગો પણ થાય છે. કુદરતી વાવેતર અને ફ્રૂટ વાંદરાઓનો ખોરાક છે અને તે પણ તેઓ તેને જાત મહેનતે તોડી અને પછી ખાય છે. તેમને ખવડાવવાની જરૂર નથી.
વાંદરાઓ આપણા ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે અને સારા કર્મ માટે તેમને ખવડાવવાનું આ માનવ વર્તન વાંદરાઓ માટે ઘાતક બનતું જઈ રહ્યું છે.
વન વિભાગના ભાવિન પનારાએ GLSના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને સમજાવ્યું કે વસ્ત્રાલ વિસ્તારમાં લગભગ 18 વાંદરાઓના કરડવાના બનાવો બન્યા છે અને રહેવાસીઓએ હવે કેવી રીતે પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ વાંદરાઓને ખવડાવશે નહીં. વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તા મુકેશ ભાટી અને રેસ્ક્યુ ફાઉન્ડેશનના મહેશ પટેલે પણ ઉમેર્યું હતું કે પ્રાણીઓને ખવડાવવું એ કાયદેસર એક સજાપાત્ર ગુનો છે. તેના કારણે ભારે દંડ અને જેલની સજા થઈ શકે છે. ગ્લુકોઝ બિસ્કિટ, સમોસા અને વડાપાંવ વાંદરાઓને ખવડાવશો નહીં તેવી પ્રતિજ્ઞા સ્થળ પર હાજર સેમીનારમાં ભાગ લેનાર દરેક સભ્યે લીધી હતી.


