પુણેઃ પુણેના એક 83 વર્ષના વૃદ્ધે આશરે રૂ. 1.2 કરોડ ડિજિટલ અરેસ્ટની છેતરપિંડીમાં ગુમાવ્યા છે. થોડાં જ સપ્તાહમાં હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું છે. આ મામલે તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે થઈ છેતરપિંડી?
પુણેમાં આ વૃદ્ધને ઓગસ્ટમાં એક ફોન આવ્યો. કોલ કરનાર પોતે કોલાબા પોલીસ સ્ટેશનનો અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે વૃદ્ધનું નામ મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનામાં જોડાયેલું છે. ત્યાર બાદ થયેલા વિડિયો કોલમાં અન્ય આરોપીઓ પોતે CBI અને IPS અધિકારી હોવાનું જણાવી ડરાવી દીધા હતા.
ઠગબાજોએ અનેક કલાકો સુધી વિડિયો કોલ પર રાખીને બેંક ખાતાની ચકાસણીને બહાને તેમને 16 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે આશરે રૂ. 1.19 કરોડની રકમ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ રકમ પછીથી આપવામાં આવશે. આ ઘટનામાં નાણાં ગુમાવનાર વૃદ્ધને થોડાં સપ્તાહ પછી હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું અવસાન થયું હતું. ઠગાઈ અને હાર્ટ એટેકને સીધા જોડવા મુશ્કેલ છે, પરંતુ માનસિક તણાવ તથા આર્થિક નુકસાનથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. ત્યાર બાદ તેમની પત્ની અને દીકરીએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ ચાલુ છે.

ડિજિટલ અરેસ્ટ શું છે?
ડિજિટલ અરેસ્ટ સામે કોઇ કાયદેસર જોગવાઈ નથી. આ સાયબર ક્રિમિનલ્સ દ્વારા લોકો સાથે કરાતી એક છેતરપિંડીની રીત છે, જેમાં પીડિતને કહેવામાં આવે છે કે તેની ઓનલાઇન ધરપકડ હેઠળ છે, અથવા તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જશેની ધમકી આપવામાં આવે છે.


