સિનિયર સિટિઝનને ફરી રેલવે ટિકિટમાં છૂટ મળવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં સિનિયર સિટિઝનને મળતી ટિકિટ છૂટને લઈને એક વખત ફરી આશા જાગી છે. રેલવે મંત્રાલયનાં સૂત્રો પાસેથી આ મુદ્દે માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સિનિયર સિટિઝન કન્સેશનને ફરીથી અમલમાં લાવવા અંગે વિચારણા ચાલી રહી છે. બજેટ 2026 પહેલાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વડીલ મુસાફરોને રાહત આપવા માટેના વિવિધ વિકલ્પો પર ચર્ચા થઈ હતી.

રેલવે મંત્રાલયે આ અંગે નાણાં મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવમાં સિનિયર સિટિઝન કન્સેશનને ફરી શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે આ અંગે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

માર્ચ, 2020માં સિનિયર સિટિઝનને મળતી છૂટ બંધ કરવામાં આવી હતી

હાલ સિનિયર સિટિઝન કન્સેશનને ફરી શરૂ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન માર્ચ, 2020માં સિનિયર સિટિઝનને મળતી રેલવે ટિકિટની છૂટ બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદથી વડીલ મુસાફરો તરફથી આ કન્સેશનને ફરી શરૂ કરવાની સતત માગ કરવામાં આવી રહી હતી, એમ રેલવે મંત્રાલયનાં સૂત્રોનું કહેવું છે.

આ માગ પર હવે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે રેલવે મંત્રાલયનાં સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગળની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.