ગુજરાતી નાટ્ય જગતના વરિષ્ઠ કલાકાર રાજુ બારોટનું નિધન

ગુજરાતી કલા જગતમાં મોટી ખોટ પડી છે. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું છે. આ સમાચારથી ગુજરાતી કલાકારો, સાહિત્યકારો અને કલાપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતી રંગભૂમિના ભિષ્મ પિતામહ સમાન અને વરિષ્ઠ કલાકાર રાજુ બારોટના અવસાનથી કલાજગતમાં શોકની લાગણી છે. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. સુત્રોના જણાવ્યાનુસાર રાજુ બારોટ ઉત્તરાખંડના પ્રવાસે હતા એ દરમિયાન ત્યાં અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમણે દેહ છોડી દીધો. જાણીતા રંગકર્મી રાજુ બારોટની આકસ્મિક વિદાયથી સૌ કોઈ સ્તબ્ધ છે.

કલાકારા રાજુ બારોટ વિશે વાત કરીએ તો એ માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ નિર્દેશક અને નાટ્યગુરૂ પણ હતાં. રાજુ બારોટ અમદાવાદની જાણીતી નાટ્ય સંસ્થા ‘અમદાવાદ થિયેટર ગ્રુપ’સાથે સંકળાયેલા હતા. તેમણે અનેક યુવા કલાકારોને માર્ગદર્શન આપી પ્લોટફોર્મ પુરૂ પાડ્યુ હતું.ગુજરાતી રંગભૂમિને જીવંત રાખવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. નાટ્યજગતમાં તેમના યોગદાન બદલ તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.