સેન્સેક્સ 1045 તૂટ્યો, નિફ્ટીએ 52 સપ્તાહની નીચી સપાટી તોડી

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 102 ડોલરને પાર જતાં ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા સતત વેચવાલી અને આરબીઆઈ તથા અમેરિકન ફેડરલ રિઝર્વના આકરા નાણાકીય સંકેતોને કારણે બજાર પર વેચવાલીનું દબાણ રહ્યું હતું.

ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1045.46 પોઈન્ટ તૂટીને 71,593.24 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50માં 371.25 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,231.80ના સ્તરે બંધ થયો હતો. આ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 1502.15 પોઈન્ટ ઘટીને 57,880.45 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ક 540.50 પોઈન્ટ ઘટીને 54,515.05 પર બંધ થયો હતો. મિડકેપ શેરોમાં ભારે વેચવાલીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના કુલ બજારમૂલ્યમાં મોટો ઘટાડો થયો હતો. આ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ. 11 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

ક્રૂડના ભાવમાં ઉછાળો

વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.02 ટકા વધીને પ્રતિ બેરલ 102.2 ડોલર પર પહોંચ્યો હતો. ફારસની ખાડી અને હોર્મુઝના સમુદ્રમાં જહાજો પર વધી રહેલા હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાંથી તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વધી છે. આના કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો છે.

વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરવામાં આવી રહી છે, જે બજાર પર દબાણ વધારી રહી છે. ઉપલબ્ધ આંકડા અનુસાર માત્ર બુધવારના કારોબારી સત્રમાં જ વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી બજારમાંથી રૂ. 6100 કરોડથી વધુના શેર વેચ્યા હતા.આરબીઆઈના રેપો રેટમાં વધારો અને કડક નાણાકીય વલણ

રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.50 ટકા કરવામાં આવ્યો હતો. લગભગ ચાર વર્ષમાં આ પ્રથમ વધારો હોવાનું જણાવાયું હતું. આ સાથે આરબીઆઈએ પોતાના નાણાકીય વલણને ‘ન્યુટ્રલ’માંથી બદલીને ‘કેલિબ્રેટેડ ટાઇટનિંગ’ કર્યું હતું. આ પગલાથી નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની શક્યતાઓ અંગે ચિંતા વધી હતી.

વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને અમેરિકન ફેડનું વલણ

એશિયાનાં મુખ્ય શેરબજારોમાં દબાણ જોવા મળ્યું હતું. દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કેઈ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઘટાડા સાથે બંધ થયા હતા. આ સાથે અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સમાં વર્ષના અંત સુધીમાં વધુ એક વખત વ્યાજદર વધારવાની શક્યતાના સંકેતો મળ્યા હતા. બજાર વિસ્લેષકના મતે ઊંચા ટ્રેઝરી યીલ્ડ અને ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે આરબીઆઈના પગલાથી સ્થાનિક નાણાકીય પરિસ્થિતિ વધુ કડક બની છે. પરિણામે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.