અમદાવાદઃ અમેરિકામાં સરકારી બોન્ડનું યીલ્ડ વધી રહ્યું હતું. ક્રૂડ ઓઈલ ફરી મોંઘું થઈ રહ્યું હતું. આ ઉપરાંત વીમા કંપનીઓ અને પોલિસી વેચવાના વ્યવસાય માટે IRDAIનો નવો પ્રસ્તાવ પણ સામે આવતાં સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. નિફ્ટીના 50માંથી 48 શેર ઘટીને બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો થયો હતો. બજાર બંધ થતાં સેન્સેક્સ 1248 પોઈન્ટ તૂટીને 73,581 પર અને નિફ્ટી 384 પોઈન્ટ ઘટીને 23,063 પર બંધ થયો. નિફ્ટી 23,100ની નીચે બંધ થયો. આ છેલ્લા પાંચ મહિનાનું તેનું સૌથી નીચું ક્લોઝિંગ સ્તર હતું.
અમેરિકાના 10 વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ 2007 પછીના ઊંચા સ્તરે પહોંચ્યું હતું અને અમેરિકાના શેરબજારમાં પણ વેચવાલી જોવા મળી હતી. આ સાથે ઓઇલની કિંમતોએ પણ ચિંતા વધારી હતી. આ સપ્તાહે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલથી નીચે આવતાં બજારને થોડી રાહત મળી હતી, પરંતુ હવે ભાવ ફરી લગભગ 106 ડોલર સુધી પહોંચવા લાગ્યો હતો.
વીમા નિયામક ઇરડાએ ઈન્શ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે લોકો સુધી પોલિસી વેચવાની રીત અને તેમાંથી થતી કમાણીમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. તેને કન્સલ્ટેશન પેપર કહેવામાં આવે છે. એટલે કે નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને તે હજુ અંતિમ રીતે લાગુ થયો નથી. રોકાણકારોને આશંકા થઈ કે પ્રસ્તાવિત ફેરફારથી પોલિસી વેચતી કંપનીઓ અને આ વ્યવસાયમાંથી કમાણી કરતી કંપનીઓ પર અસર થઈ શકે છે. આ આશંકા વચ્ચે વીમા અને ફાઇનાન્શિયલ શેરોમાં વેચવાલી વધી હતી. અનેક ફાઇનાન્શિયલ શેરોની માર્કેટ વેલ્યુમાં રૂ. એક લાખ કરોડથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ ચર્ચા પીબી ફિનટેકની રહી, જે પોલિસી બજારની પેરેન્ટ કંપની છે. દિવસના અંતે શેર લગભગ 35 ટકા નીચે રહ્યો અને કંપનીની માર્કેટ વેલ્યુમાં રૂ. 25,000 કરોડથી વધુનો ઘટાડો થયો.

બેન્કિંગ શેરો પણ કેમ તૂટ્યા?
હવે બેન્કો પણ પોતાના ગ્રાહકોને વીમા પોલિસી વેચે છે. જેથી ઇન્ડસઇન્ડ બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક જેવા શેરો પર દબાણ રહ્યું હતું. એક્સિસ બેન્ક પણ મોટા ઘટાડાવાળા શેરોમાં સામેલ હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પણ 1406 પોઈન્ટ ઘટીને 60,990 પર બંધ થયો. એટલે કે વેચવાલી મોટા શેરોથી આગળ વધીને મિડકેપ કંપનીઓ સુધી પણ પહોંચી હતી. આ સાથે વ્યાજદરમાં વધારાની આશંકાને લીધે મજબૂત અમેરિકન આર્થિક આંકડાઓને કારણે ઓક્ટોબરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની શક્યતા 66 ટકાથી વધુ થઈ ગઈ છે. આ સાથે ઈરાન-અમેરિકા વચ્ચે વધતો તણાવ: ભૂરાજકીય અનિશ્ચિતતા અને તણાવ વચ્ચે વૈશ્વિક સ્તરે તેલના પુરવઠામાં વિક્ષેપ થવાનું જોખમ છે, જેને કારણે બજારોમાં ચિંતા વધી છે.




