સેન્સેક્સ 721 પઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના સાત લાખ કરોડ ડૂબ્યા

અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સેન્સેક્સ 721 પોઇન્ટ અને નિફ્ટી 225 પોઇન્ટ તૂટ્યા હતા. છેલ્લા  બે દિવસમાં સેન્સેક્સ 1200થી વધુ તૂટી ચૂક્યો છે. રોકાણકારોના બે દિવસમાં રૂ. સાત લાખ કરોડ ડૂબ્યા હતા.

કંપનીઓનાં નબળાં ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક માર્કેટોના નબળા સંકેતોએ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું. નિફ્ટી 50 ઇન્ડેક્સ અને સેન્સેક્સ આ સપ્તાહે ક્રમશઃ0.5 ટકા અને 0.4 ટકા તૂટ્યા હતા. આ સાથે સતત ચોથા સપ્તાહે  બજારમાં ઘટાડો નોંધાયો હતો. આ સપ્તાહે 16 મુખ્ય સેક્ટર્સમાંથી 11માં ઘટાડો નોંધાયો હતો. આમાં IT, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. નબળાં પરિણામોને પગલે આ સપ્તાહે IT ઇન્ડેક્સ 4.1 ટકા ઘટ્યો હતો. ઇન્ફોસિસ આ સપ્તાહે 4.4 ટકાનો ઘટાડો થયો હતો.

આ સાથે સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ આ સપ્તાહે 3.5 ટકા અને 1.9 ટકા સાપ્તાહિક રીતે ઘટ્યા હતા. વિદેશી રોકાણકારો ભારતીય શેરોમાં ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. આ સાથે ભારતે બ્રિટનની સાથે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, પણ બજારનું ધ્યાન સંપૂર્ણ રીતે ભારત અને અમેરિકાની વચ્ચે સંભવિત ટ્રેડ સમજૂતી પર કેન્દ્રિત છે.

BSE પર કુલ 4154 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1126 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2886 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 142 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 111 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 42 શેરોએ 68 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 208 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 239 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.