ટ્રમ્પ હારતાં સેન્સેક્સમાં 1600 પોઇન્ટનો ઉછાળોઃ રોકાણકારોની દિવાળી

અમદાવાદઃ અમેરિકામાં મધ્ય સત્રની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને લાગેલા આંચકા બાદ દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 1400થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે.

શેરબજારમાં તેજી પાછળ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો મોટો ઘટાડો પણ એક મુખ્ય કારણ છે. 30 શેર ધરાવતા સેન્સેક્સમાં સામેલ 29 કંપનીઓના શેર તેજીમાં હતા. ઇન્ડિગો, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ જેવા શેરમાં ચાર ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.

સેન્સેક્સ-નિફ્ટીમાં બે ટકા સુધીનો ઉછાળો

સેન્સેક્સ 1609.54 પોઇન્ટ એટલે કે 2.08 ટકા વધીને 78,910.94 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીએ 417.45 પોઇન્ટ એટલે કે 1.74 ટકાના ઉછાળા સાથે 24,378.05ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ તેજી

નિફ્ટી સિમેન્ટ, ઓટો, આઇટી, ઓઇલ એન્ડ ગેસ તથા સરકારી બેન્કોના સૂચકાંકોમાં 1.82 ટકા સુધીની તેજી જોવા મળી હતી. એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, મીડિયા અને કેમિકલ્સ સેક્ટરમાં પણ 1થી 1.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

બજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર નિફ્ટી લગભગ 23,904ના સ્તરે રહેલા 200 દિવસના એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (EMA)થી ઉપર જળવાઈ રહ્યો છે. ટેકનિકલ દૃષ્ટિએ આ બજારની મજબૂતીનો સંકેત છે.

વિદેશી રોકાણકારોની રેકોર્ડ ખરીદી

બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત ચોથા કારોબારી સત્રમાં ખરીદદાર રહ્યા હતા. તેમણે ચોખ્ખા 7284 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઓક્ટોબર, 2025 બાદ એક જ કારોબારી દિવસમાં વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી ખરીદી હોવાનું કહેવાય છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ સતત ચોથા દિવસે પોતાની હિસ્સેદારી ઘટાડી હતી અને ચોખ્ખા 3712 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો

ઊર્જા બજારમાં ભારે વેચવાલી વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો હતો અને તે પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે બંધ થયું હતું.

અમેરિકાના શેરબજારોમાં પણ જોરદાર તેજી

ગઈ કાલે રાત્રે અમેરિકાનાં શેરબજારોમાં જોવા મળેલી તેજીથી ભારતીય બજારને પણ ટેકો મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 3 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. અમેરિકાની મધ્યસત્રની ચૂંટણી બાદ ચાર દાયકાથી વધુ સમયગાળામાં ડાઉ જોન્સનું આ સૌથી મજબૂત પ્રદર્શન રહ્યું હતું. એસએન્ડપી 500 અને નાસ્ડેક કમ્પોઝિટમાં પણ 1.4 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.