યુદ્ધવિરામ થવાના અહેવાલોએ સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાના અહેવાલોને કારણે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. ડીલ થવાની આશાએ સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 બંને બે ટકાથી વધુ વધારા સાથે બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 10 લાખ કરોડનો વધારો થયો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર અંતિમ દસ્તાવેજો પર હસ્તાક્ષર બાકી છે. આ નિવેદન બાદ બજારમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો આ ઉપરાંત બ્લુમબર્ગના અહેવાલ મુજબ G7 બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી થવાની સંભાવના વધી છે. જો આ સમજૂતી થાય તો વૈશ્વિક ઓઇલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખૂલવાની શક્યતા વધશે.

આ સાથે નિફ્ટી IT ઇન્ડેક્સમાં થોડો ઘટાડો નોંધાયો હતો, જ્યારે પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 2.5 ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો, જ્યારે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 3.53 ટકાના વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટી ઓટોમાં પણ લગભગ બે ટકાની મજબૂતી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 1695.40 અંક (2.30 ટકા) વધીને 75,527.95 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 461.30 અંક (1.99 ટકા) વધીને 23,622.90 પર બંધ થયો હતો.કાચા તેલના ભાવમાં ઘટાડો

અમેરિકા અને ઈરાન વચ્ચે જલદી શાંતિ સમજૂતી થવાની શક્યતાને કારણે કાચા તેલના ભાવ ઘટીને પ્રતિ બેરલ 90 ડોલરથી નીચે આવી ગયા છે. આથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી સામાન્ય જહાજી પરિવહન માટે ખૂલવાની આશા પણ મજબૂત બની છે.

મોંઘવારી અને વિકાસ પર દબાણ

 દેશમાં મોંઘવારી, નબળું ચોમાસું તથા વૈશ્વિક અને સ્થાનિક અર્થતંત્રમાં ધીમી વૃદ્ધિ જેવાં પરિબળો હજુ પણ દબાણ ઊભું કરી રહ્યાં છે. પરિણામે બજારમાં અને આર્થિક પ્રવૃત્તિઓમાં અનિશ્ચિતતા યથાવત્ છે.

BSE પર કુલ 4422 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3222 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1046 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 154 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 102 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 79 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 8 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 6 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.