અમદાવાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની દિશામાં લગભગ સહમતી બનવાના સમાચારની સીધી અસર ક્રૂડ ઓઈલ પર જોવા મળી હતી. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે છ ટકા જેટલો ઘટાડો થયો હતો. ક્રૂડના ભાવ ઘટતાં જ ભારતીય બજારોમાં ફરી લેવાલી જોવા મળી હતી. ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે સસ્તું ક્રૂડ મોટી રાહત માનવામાં આવે છે, કારણ કે તે મોંઘવારી ઘટાડે છે, કંપનીઓના ખર્ચમાં કાપ લાવે છે અને અર્થતંત્રને સહારો આપે છે. રોકાણકારોની સંપત્તિમાં છ લાખ કરોડનો વધારો થયો હતો.
BSE સેન્સેક્સ 941 પોઇન્ટ વધીને 77,959 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 298 પોઇન્ટ ઊછળી 24,331ના પાર પહોંચી ગયો હતો. આજે સૌથી વધુ તેજી બેન્કિંગ શેરોમાં જોવા મળી હતી. બેંક નિફ્ટી 1434 અંકના જંગી ઉછાળા સાથે 55,981 પર બંધ થયો. ભારતી એરટેલ, ફાઇનાન્શિયલ શેરો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બજારને ઉપર ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ પણ બજારમાં નવું જોમ ભર્યું હતું. બ્રેન્ટ ક્રૂડ 102 ડોલર પ્રતિ બેરલથી નીચે સરકી ગયો હતો. મિડકેપ શેરોમાં તો જાણે ઉત્સવ જેવો માહોલ રહ્યો. કોફોર્જે સારા ત્રિમાસિક પરિણામોને આધારે 10 ટકાનો ઉછાળો નોંધાવ્યો. વોકહાર્ટમાં સતત બીજા દિવસે જોરદાર ખરીદી જોવા મળી અને શેર 13 ટકા ચઢ્યો. ફર્સ્ટસોર્સ 12 ટકા અને અરવિંદ ફેશન 10 ટકા વધ્યા હતા.

બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાથી બજારમાં તેજી આવી છે. ચીનની કૂટનીતિનો પણ લાભ થયો છે. મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાની આશાથી ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જોકે અનિશ્ચિતતા હજુ પણ યથાવત્ છે. બીજી તરફ, અમેરિકામાં AI કંપનીઓના વધતા નફાની સકારાત્મક અસર બજારો પર પડી છે. ભારતમાં ચૂંટણી પરિણામો અને ECLGS 5.0ને મંજૂરી મળવાથી સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.
BSE પર કુલ 4437 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3825 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 505 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 99 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 70 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 198 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 15 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 23 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

