અમદાવાદઃ અમેરિકા-ઇરાન વચ્ચે વધતા તણાવની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી બજાર ઘટાડા સાથે બંધ થયું હતું નિફ્ટી 24,500ની નીચે બંધ થયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 1122.66 પોઇન્ટ ઘટીને 79,116.19 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 385.20 પોઇન્ટ ઘટીને 24,480.50 પર બંધ રહ્યો હતો. IT સેક્ટર સિવાય બાકીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. ઇન્ફ્રા, PSU બેંક, રિયલ્ટી, મિડિયા, ઓઇલ એન્ડ ગેસ, ઓટો અને મેટલ સેક્ટરમાં 2 ટકાથી 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોના એક દિવસમાં રૂ. 10 લાખ કરોડ ડૂબ્યા હતા.
પશ્ચિમ એશિયામાં ચાલુ સંઘર્ષને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી. ઈરાને ઇઝરાયેલ અને USના સંયુક્ત હુમલાના જવાબમાં ખાડી દેશોમાં નવા હુમલા કર્યા, જ્યારે US અને Israelએ પણ ઈરાન પર વધુ હુમલા કર્યા. વધતા તણાવને કારણે સપ્લાય ખોરવાઈ શકે અને ક્રૂડ ઓઇલના ભાવ વધે તેવી ચિંતા વધી છે.
બજારમાં વ્યાપક વેચવાલી
બુધવારના ટ્રેડિંગ દરમિયાન લગભગ તમામ સેક્ટરોમાં દબાણ જોવા મળ્યું હતું.નિફ્ટીના મોટા ભાગના શેર નરમ બંધ થયા હતા. મિડકેપ શેરોમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી.
BSE પર કુલ 4433 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1052 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3237 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 144 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 53 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 719 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 115 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 281 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.




