ક્રૂડ ઓઇલના ભાવવધારાએ સેન્સેક્સ 778 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ મંગળવારે શેરબજાર ખૂલતામાં જસેન્સેક્સ લગભગ 588 પોઈન્ટના ઉછાળા સાથે 75,369 પર ખૂલ્યો હતો અને નિફ્ટી પણ 23,500ની ઉપર પહોંચી ગયો હતો. IT શેરોમાં એવી તેજી જોવા મળી હતી. જોકે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી આવતાં સેન્સેક્સ તૂટ્યો હતો. ટાટા શેરોમાં પણ તેજી જોવા મળી હતી રોકાણકારોની સંપત્તિમાં રૂ. નવ લાખ કરોડનો ઘટાડો થયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 778 પોઈન્ટ ઘટીને 74,004 પર બંધ થયો. નિફ્ટી 280 પોઈન્ટ તૂટીને 23,119 પર પહોંચ્યો. નિફ્ટી માટે આ પાંચ મહિનાનું સૌથી નીચું ક્લોઝિંગ લેવલ રહ્યું. બજાર સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું.

એક તબક્કે સેન્સેક્સે લગભગ 1300 પોઈન્ટનો ઉછાળો ગુમાવ્યો હતો.. મોંઘા ક્રૂડ ઓઈલ અને વધતી અમેરિકન બોન્ડ યીલ્ડની ચિંતા હાવી થઈ હતી.

એક જ દિવસમાં રૂ. 9 લાખ કરોડનો ઝટકો

આ ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 9 લાખ કરોડનો ઘટાડો થયો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4,83,10,214.93 કરોડથી ઘટીને રૂ. 4,74,16,434.87 કરોડ રહ્યું હતું. એટલે કે એક જ દિવસમાં કંપનીઓની કુલ બજાર કિંમતમાં લગભગ રૂ. 8.94 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

નિફ્ટીના 50માંથી 40 શેર ઘટ્યા

બજારની નબળાઈ કેટલી મોટી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નિફ્ટીના 50માંથી 40 શેર ઘટાડા સાથે બંધ થયા. એડવાન્સ-ડિક્લાઇન રેશિયો 1:5 રહ્યો. એટલે કે બજારમાં દરેક એક વધતા શેરની સામે લગભગ પાંચ શેર ઘટાડા સાથે બંધ થયા હતા. મોટા શેરોની સરખામણીએ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધુ માર પડ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1,319 પોઈન્ટ ઘટીને 60,878 પર બંધ થયો. તેમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો.. નિફ્ટી બેન્ક 812 પોઈન્ટ તૂટીને 55,795 પર બંધ થયો. દેશમાં મોંઘવારી વધવાની અને વ્યાજદરમાં વધારો થવાની આશંકાને કારણે આ શેરો પર દબાણ આવ્યું હતું.

ક્રૂડ ઓઈલ બન્યું બજારનું સૌથી મોટું વિલન

આજે સૌથી મોટું વિલન ક્રૂડ ઓઈલ રહ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ લગભગ 110 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું. ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું તેલ વિદેશથી ખરીદે છે. તેથી મોંઘું ક્રૂડ દેશનું આયાત બિલ વધારી શકે છે, રૂપિયા પર દબાણ લાવી શકે છે અને મોંઘવારી વધારી શકે છે. આ સાથે અમેરિકાની 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ 5 ટકાથી ઉપર જતાં પણ રોકાણકારોની ચિંતા વધી હતી.