અમદાવાદઃ એશિયાનાં બજારોમાં નબળા સંકેતો વચ્ચે ઘરેલુ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. એક દિવસ પહેલાં જાહેર થયેલા સીઝફાયર બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યાના સમાચારોથી બજારમાં વેચવાલી જોવા મળી હતી. બેંકિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં પ્રોફિટ બુકિંગની પણ અસર હતી. HDFC બેન્ક અને ICICI બેન્ક જેવા હેવીવેઇટ શેરોમાં ઘટાડાએ બજારને નીચે ખેંચ્યું હતું. બજારમાં રોકાણકારોના એક લાખ કરોડ સ્વાહા થયા હતા.
BSE સેન્સેક્સ ઘટાડા સાથે 77,319.33 અંક પર ખૂલ્યો હતો. જોકે વેચવાલી વધતાં અંતે સેન્સેક્સ 931.25 અંક ઘટીને 76,631.65 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી-50 222.25 પોઇન્ટ તૂટીને 23,775 પર બંધ થયો હતો.
બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામથી બનેલી સકારાત્મકતા ઝડપથી ઓછી થઈ હતી. અમેરિકા-ઈરાન તણાવ ફરી વધતાં અને હોર્મુઝ જળમાર્ગ પર પ્રતિબંધ ચાલુ રહેતાં કાચા તેલના ભાવ વધ્યા, જેને કારણે ભારતમાં મોંઘવારી અંગે ચિંતા વધી છે. સ્થાનિક સ્તરે પ્રોફિટ બુકિંગ, 10 વર્ષના બોન્ડ યિલ્ડમાં વધારો અને રૂપિયાની નબળાઈએ રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા ઘટાડી છે. સતત FII વેચવાલી વચ્ચે ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ની તાજેતરની મિનિટ્સમાં આકરું વલણ દેખાયું છે, જેમાં વ્યાજદર વધારાના સંકેત મળ્યા છે.

ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે તે વારંવાર કરારોનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ દ્વારા લેબેનોન પર સતત હુમલા અને ઈરાનની સરહદમાં ડ્રોન ઘૂસણખોરી તેનું ઉદાહરણ છે.
BSE પર કુલ 4427 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 818 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2508 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 98 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 45 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 250 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 5 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 25 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.




