ટ્રમ્પના અલ્ટિમેટમથી સેન્સેક્સ 1836 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 22512 પર બંધ

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં ઘટાડાને પગલે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડા સાથે બંધ થયાં હતાં.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને અપાયેલા અલ્ટિમેટમ પછી વિશ્વભરનાં બજારોમાં નકારાત્મક માહોલ સર્જાયો હતો, જેની સીધી અસર ભારતીય બજારો પર પણ જોવા મળી હતી. ટ્રમ્પે શનિવારે મોડી રાત્રે ચેતવણી આપી હતી કે જો ઈરાન 48 કલાકમાં હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ રીતે નહીં ખોલે તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે. આ ઉપરાંત ઇન્ડેક્સ હેવીવેઇટ HDFC બેંકના શેરોમાં મોટી ઘટાડાએ પણ બજાર પર નકારાત્મક અસર કરી હતી. રોકાણકારોના રૂ. 15 લાખ કરોડ સ્વાહા થયા હતા.

BSE સેન્સેક્સ 73,732 પર ભારે ઘટાડા સાથે ખૂલ્યો હતો અને ખુલતાની સાથે જ વેચવાલી વધી જતાં 72,558 સુધી ગગડ્યો  હતો. અંતે સેન્સેક્સ 1836.57 પોઇન્ટ તૂટીને 72,696.39 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી-50 601.85 પોઇન્ટ તૂટીને 22,512 પર બંધ થયો હતો.

બજાર વિશ્લેષકે જણાવ્યું હતું કે એશિયન બજારોમાં નબળાઈ અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર સ્પષ્ટ જોવા મળી હતી. વૈશ્વિક ઊર્જા સપ્લાયમાં અવરોધની આશંકાથી રોકાણકારો ચિંતિત રહ્યા હતા. ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમ બાદ રોકાણકારો વધુ સાવચેત બન્યા હતા. વૈશ્વિક સ્તરે વધતી બોન્ડ યીલ્ડને કારણે મોંઘવારી અને સરકારી ખર્ચ અંગે ચિંતા વધી છે. રૂપિયા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતાં બજાર પર વધુ દબાણ આવ્યું અને વિદેશી રોકાણકારોની વેચવાલી વધી હતી. તેમણે ઉમેર્યું કે ટૂંકા ગાળામાં બજારમાં જોખમથી દૂર રહેવાનું વલણ ચાલુ રહી શકે છે.

નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 5 ટકાથી વધુ તૂટ્યો

મેટલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ 5 ટકા સુધી તૂટ્યો હતો કોપર કિંમતોમાં ઘટાડાને કારણે હિંદુસ્તાન કોપરનો શેર લગભગ 8 ટકા તૂટી ગયો. વેદાંતા, નાલ્કો, ટાટા સ્ટીલ અને હિંડાલ્કો સહિતના શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. કોપર ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. સોનામાં છેલ્લાં 40 વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી એક મહિનામાં 25 ટકાથી વધુ ઘટી છે. મજબૂત ડોલર અને હોર્મુઝ માર્ગમાં અવરોધને કારણે ઔદ્યોગિક માગ પર અસર પડી છે. આ સાથે 10 વર્ષીય સરકારી બોન્ડ યીલ્ડ 6.80 ટકાથી ઉપર પહોંચ્યા હતા, જે એક વર્ષથી વધુનો ઉચ્ચ સ્તર છે. એટલે બજાર હવે વ્યાજદર વધવાની શક્યતા અંગે પણ ચિંતિત છે.