અમદાવાદઃ અમેરિકા અને ઇઝરાયેલના ઇરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર અને આસપાસના માળખા પર હુમલાથી ઘરેલુ શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. આ ઉપરાંત કતારમાં વિશ્વમાં સૌથી મોટા LNG પ્લાન્ટ પર ઇરાનના હુમલાએ રોકાણકારોને વધુ ડરાવી દીધા હતા. એની સીધી અસર ક્રૂડ ઓઇલની કિંમતો પર પડી હતી. આ સિવાય ઇન્ડેક્સ હેવી વેઇટ HDFC બેન્કના શેરોમાં ઝડપી ઘટાડાએ બજારને નીચે ખેંચ્યું હતું.
બજાર સવારે નબળાઈ સાથે ખુલ્યું હતું, પરંતુ બાદમાં વેચવાલીના દબાણને કારણે ઘટાડો સતત વધતો ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગઈ. બજારમાં આ ભારે ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઝડપી ઉછાળો માનવામાં આવે છે.
BSE સેન્સેક્સ 3.26 ટકા એટલે કે 2496 અંક ઘટીને 74,207 પર બંધ થયો હતો. નિફ્ટી 3.32 ટકા એટલે કે લગભગ 790 અંક તૂટી 22,984 પર પહોંચ્યો હતો. બજારમાં માત્ર 921 શેરોમાં તેજી જોવા મળી, જ્યારે 2923 શેરોમાં ઘટાડો નોંધાયો. 122 શેરોમાં કોઈ ફેરફાર થયો નહીં. નિફ્ટીના તમામ 16 મુખ્ય સેક્ટર ઇન્ડેક્સ નરમ બંધ થયા હતા. ખાસ કરીને ફાઇનાન્સિયલ અને બેન્કિંગ શેરોમાં લગભગ 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં પણ આશરે 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બજાર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બજારના તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી અને દરેક સેક્ટર ઘટાડા સાથે બંધ થયો, જે બજારની વ્યાપક નબળાઈ દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ક્રૂડની કિંમતોમાં તેજી આવીને ભાવ લગભગ 119 ડોલર નજીક પહોંચતાં નકારાત્મક માહોલ વધુ ગાઢ બન્યો. ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વની કડક નીતિ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલી, રૂપિયાની નબળાઈ તથા મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ અંગે વધતી ચિંતાઓએ બજારની ભાવનાને વધુ કમજોર બનાવી.

બજારમાં ડર એટલો વધ્યો હતો કે ઇન્ડિયા VIX 21 ટકા ઊછળી ગયો, જે બજારમાં ભારે ગભરાટ દર્શાવે છે. NSEમાં સ્થિતિ એવી હતી કે દર 7 ઘટતા શેર સામે માત્ર 1 શેર જ વધતો જોવા મળ્યો.
આ ભારે ઘટાડા દરમિયાન BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 4,38,63,555.25 કરોડ રૂપિયાથી ઘટીને 4,26,68,434.82 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે માત્ર છ કલાકમાં લગભગ 11.95 લાખ કરોડ રૂપિયાનો રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો હતો. વિદેશી રોકાણકારોએ રૂ. 2700 કરોડથી વધુની વેચવાલી કરી હતી.




