28માંથી 14 મુખ્ય મંત્રીઓ વિરુદ્ધ ગંભીર અપરાધી કેસ પેન્ડિંગ

નવી દિલ્હીઃ દેશભરમાં વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો તથા ધારાસભ્યો સામે સુનાવણી માટે કુલ 4192 ફોજદારી કેસ પેન્ડિંગ છે. તેમાંથી 519 કેસ 10 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોની ઝડપી સુનાવણીની માગ કરતી જાહેર હિતની અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરી અને વરિષ્ઠ વકીલ વિજય હંસારિયા દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત 700 કેસ તપાસના તબક્કે પેન્ડિંગ છે. તેમાંથી 360 કેસ ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે અને અત્યાર સુધી તેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. આ આંકડા હંસારિયાના 22મા એમિકસ રિપોર્ટનો ભાગ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 4192 પેન્ડિંગ કેસનો આંકડો વિવિધ હાઈકોર્ટ પાસેથી મળેલી માહિતી અને તેમની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

સૌથી વધુ કેસ પેન્ડિંગ હોવાની માહિતી ધરાવતાં રાજ્યો/હાઈકોર્ટમાં ઉત્તર પ્રદેશ (1171), કેરળ (543), બિહાર (373), મહારાષ્ટ્ર (364) અને ઓડિશા (330)નો સમાવેશ થાય છે. આ આંકડાઓની કટ-ઓફ તારીખો અલગ-અલગ છે.

28માંથી 14 રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામે ફોજદારી કેસ

રિપોર્ટ અનુસાર 28માંથી 14 રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામે ફોજદારી કેસ સુનાવણી માટે પેન્ડિંગ છે. તેમાં સૌથી વધુ કેસ તેલંગાણાના મુખ્ય મંત્રી એ. રેવંત રેડ્ડી સામે છે, જેમની સામે 89 કેસ પેન્ડિંગ છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારી સામે 29 કેસ, કર્ણાટકના મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમાર અને આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સામે 19-19 કેસ અને કેરળના મુખ્ય મંત્રી વી.ડી. સતીશન સામે 18 કેસ પેન્ડિંગ છે.

સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને આપ્યો હતો નિર્દેશ

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે ધારાસભ્યો સાથે સંકળાયેલા ફોજદારી કેસોની ઝડપી સુનાવણી માટે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12 વિશેષ અદાલતો સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. ડિસેમ્બર, 2018માં કોર્ટે દરેક જિલ્લામાં એક નિયુક્ત સેશન કોર્ટ અને એક નિયુક્ત મેજિસ્ટ્રેટ કોર્ટની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી આ કેસોની પ્રાથમિકતાને આધારે સુનાવણી થઈ શકે.

આ મામલે 18 ઓગસ્ટે ત્રણ જજોની બેન્ચ સમક્ષ સુનાવણી થવાની છે.