મેડિકલ કોલેજના 13  ડોક્ટરો સાથે રેગિંગ કરનારા સાત સિનિયરો સસ્પેન્ડ

ભાવનગરઃ ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ (GMC) સાથે સંકળાયેલા સર ટી હોસ્પિટલમાં મેડિકલ શિક્ષણ વ્યવસ્થાની એક ચોંકાવનારી અને અત્યંત શરમજનક હકીકત સામે આવી છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા CCTV ફુટેજમાં ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 પોસ્ટ-ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોક્ટરોને તેમના સાત સિનિયર ડૉક્ટરો દ્વારા આયોજનબદ્ધ રીતે રેગિંગ કરવામાં આવતું હતું, માનસિક યાતના આપવામાં આવતી અને આર્થિક રીતે શોષણ કરવામાં આવતું હોવાનું જોવા મળે છે. જોકે આ સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) JDNના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. ધ્રુવ ચૌહાણે સોશિયલ મિડિયા પર આ કથિત રેગિંગ વિશે માહિતી શેર કરી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો તમારા સિનિયરો તમને ટોર્ચર કરે, ઓપરેશન થિયેટરમાં ‘મુરગો’ બનાવે, આખી રાત ઊભા રાખે અને દર કલાકે તમારી હાજરી અને સ્થાન દર્શાવતી સેલ્ફી મોકલવાનું કહે, તો તમે શું કરશો? GMC ભાવનગરના ઓર્થોપેડિક વિભાગમાં આવી ઘટનાઓ બની રહી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને વિભાગના પ્રોફેસર તથા HODની ભૂમિકા અંગે પણ તપાસ થવી જોઈએ.

એ પછી ડો. ચૌહાણે CCTVની એક તસવીર શેર કરી હતી, જેમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોને હોસ્પિટલની અંદર જાહેરમાં અપમાનજનક રીતે ‘મુરગો’ બનવા માટે મજબૂર કરવામાં આવતા હોવાનું જોવા મળ્યું. તેમણે જણાવ્યું હતું કે આ તસવીર જોઈને હું સ્તબ્ધ થઈ ગયો હતો. ઓપરેશન થિયેટરમાં સૌની સામે આ રીતે અપમાનિત થવાથી આ રેસિડેન્ટ ડોક્ટરોને કેટલી માનસિક અને શારીરિક પીડા થઈ હશે, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભારતના આ અત્યંત ગૌરવપૂર્ણ માનાતા વ્યવસાયની વાસ્તવિકતા દરેક NEET UG અને PGના વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાએ જાણવી જોઈએ.

સરકારની કાર્યવાહી : સાત સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

આ મામલો સામે આવ્યા બાદ ગુજરાત સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. ડીન ડો. ચિન્મય શાહની અધ્યક્ષતામાં એન્ટી-રેગિંગ સમિતિની લગભગ સાડાઆઠ કલાક ચાલેલી બેઠક બાદ તમામ છ સિનિયર વિદ્યાર્થીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા. પ્રશાસને તેમને છ મહિનાથી લઈને બે વર્ષ સુધી માટે સસ્પેન્ડ કર્યા છે. એ ઉપરાંત, તેમને હોસ્ટેલ ખાલી કરવાની પણ નોટિસ આપવામાં આવી છે.