અમદાવાદમાં BRTS બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

અમદાવાદ: શહેરમાં રાણીપ વિસ્તારમાં આવેલી D-Mart પાસે BRTS બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. સ્પીડમાં આવી રહેલી BRTS બસે બાઈકને જોરદાર ટક્કર મારતા ચાલક અને અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ભયાનક અકસ્માત

બી.આર.ટી.એસ. (BRTS) બસ અને બાઈક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે આસપાસ ઉભેલા લોકો પણ ધડાકો સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. બસની સ્પીડ વધારે હોવાના કારણે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા.

અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર

દુર્ઘટના સર્જાયા બાદ તરત જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેના કારણે રોડ પર મોટા પ્રમાણમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાના ડરથી હોબાળો મચતા જ બસ ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો અને પછી પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.

108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

સ્થાનિક લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ અને ભારે રક્તસ્ત્રાવ થયો હોવાથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો.