ઇસ્લામાબાદઃ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની ગંભીર અછત સર્જાઈ છે. બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ (પાકિસ્તાન) અને સિંધ જેવા અનેક વિસ્તારોમાં લોકોને પેટ્રોલ પંપ પર ફ્યુઅલ ન મળવાની ફરિયાદો મળી રહી છે. ઘણાં સ્થળોએ પેટ્રોલ પંપ ખાલી પડી ગયાં છે અને લાંબી લાઈનમાં ઊભા રહેવા છતાં લોકોને પેટ્રોલ-ડીઝલ મળતું નથી. આ વચ્ચે પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દર મુજબ હાઈ સ્પીડ પેટ્રોલનો ભાવ 335 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર અને સામાન્ય પેટ્રોલનો ભાવ 321 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
પાકિસ્તાન પોતાની કુલ ફ્યુઅલની જરૂરિયાતમાંથી લગભગ 35 ટકા ભાગ ઈરાનથી ગેરકાયદે રીતે આવતા ફ્યુઅલથી પૂરો કરે છે. સૌથી વધુ અસર બલૂચિસ્તાનમાં જોવા મળે છે, જ્યાં લગભગ 80 ટકા પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત ઈરાની ફ્યુઅલથી પૂરી થાય છે. આ ઉપરાંત સિંધમાં લગભગ 20 ટકા, ખૈબર પખ્તૂનખ્વામાં લગભગ 18 ટકા અને પંજાબમાં લગભગ 13 ટકા ફ્યુઅલની જરૂરિયાત ઈરાનથી આવતા ફ્યુઅલથી પૂરી થાય છે. ઈરાની ફ્યુઅલ અન્ય દેશોના ફ્યુઅલની તુલનામાં ઘણું સસ્તું હોવાથી પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં તેનો ઉપયોગ વધુ થાય છે.
મિડલ ઈસ્ટના યુદ્ધથી ફ્યુઅલ સપ્લાય પર અસર
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને હોર્મુઝ જલડમરુમધ્ય પર પડેલા પ્રભાવને કારણે તેલની સપ્લાય પણ અસરગ્રસ્ત થઈ છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેની પાસે લગભગ 24 દિવસ જેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુદ્ધની સ્થિતિને કારણે અન્ય માર્ગોથી ફ્યુઅલનો સપ્લાય યોગ્ય રીતે થઈ શકતો નથી. ઉપરાંત ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાંથી આવતું પેટ્રોલ-ડીઝલ પણ પાકિસ્તાન સુધી પહોંચી શકતું નથી. તેની સૌથી વધુ અસર બલૂચિસ્તાનમાં જોવા મળી રહી છે, જ્યાં 70 ટકાથી વધુ પેટ્રોલ પંપ ખાલી હોવાનું જણાવવામાં આવે છે.

ભારતમાં ફ્યુઅલના ભાવ
બીજી તરફ ભારતમાં હાલ આ સંકટનો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર મોટો પ્રભાવ પડ્યો નથી. તાજેતરમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત પાસે લગભગ 74 દિવસનો ફ્યુઅલ જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી 30 દિવસ સુધી ફ્યુઅલ ખરીદવાની છૂટ આપવામાં આવી છે, જેને કારણે ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં ફ્યુઅલ ખરીદી શકે છે. હાલ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય છે અને કોઈ નવી વધારાની જાહેરાત કરવામાં આવી નથી.




