PMના જન્મ દિવસે રાજ્યમાં દિવાળી જેવો માહોલ, ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનો પ્રારંભ

અમદાવાદ / ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ તેમના ૨૫ વર્ષના દીર્ઘકાલીન જનસેવા અને સુશાસનની યાત્રાને બિરદાવવા માટે સમગ્ર  રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ‘સેવા અને સંકલ્પ અભિયાન’નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ આઇકોનિક અને ધાર્મિક સ્થળો ખાતે ભવ્ય ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો.

કાંકરિયા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અહીં બંને મહાનુભાવો દ્વારા ભારત માતાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર કાંકરિયા તળાવની પાળ પર ૧.૨૫ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જેનાથી કાંકરિયા પરિસર ઝળહળી ઉઠ્યું હતું.

રાજ્યના ખૂણે-ખૂણે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમની રોશની

  • અંબાજી ધામ: ઐતિહાસિક ચાચર ચોકમાં યોજાયેલી મહાઆરતીમાં ૭૬,૦૦૦થી વધુ દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. આકાશમાં ડ્રોન શોના માધ્યમથી માં અંબાના ચરણોમાં શીશ નમાવતા વડાપ્રધાનશ્રીની અદ્ભુત પ્રતિકૃતિ કંડારાઈ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને હજારો ભક્તોએ પીએમ મોદીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

  • કચ્છ (ભુજ): સ્મૃતિવન મેમોરિયલ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ૨૦ હજારથી વધુ દીપ પ્રગટાવી કાર્યક્રમ ઉજવાયો હતો.

    • સુરત (બારડોલી): બાબેન તળાવ ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને નગરજનોની હાજરીમાં દીપ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
    • પાટણ: રાણકીવાવ અને ગ્રામ્ય વિસ્તારોમાં દીપ પ્રજ્વલન સાથે સ્વચ્છતા અને સેવા નો સંદેશ અપાયો હતો, જ્યારે ભદ્રકાળી માતાના મંદિરે ૫,૦૦૦ દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી.
  • મહેસાણા: તરભ સ્થિત પવિત્ર વાળીનાથ ધામ ખાતે ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો શ્રદ્ધાળુઓએ દીપ પ્રગટાવ્યા હતા.

  • છોટાઉદેપુર: કુસુમ સાગર તળાવ અને જાગનાથ મહાદેવ મંદિરે સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને નાગરિકોએ હજારો દીવડાઓ પ્રગટાવ્યા હતા.

  • નર્મદા (રાજપીપલા): જિલ્લાના આઇકોનિક અને ધાર્મિક સ્થળોએ પણ ઉત્સાહભેર આશીર્વાદનો દીવડો પ્રગટાવી અભિયાનનો શુભારંભ કરાયો હતો.

આ અભિયાન અંતર્ગત આગામી એક મહિના સુધી રાજ્યભરમાં વિવિધ સેવાકીય, સામાજિક અને જનભાગીદારીના કાર્યક્રમો યોજાશે