વારાણસીની સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે SGVPના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું બહુમાન

વારાણસી: સુપ્રસિદ્ધ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ગણેશ ચતુર્થી તથા હિન્દી દિવસના શુભ ઉપક્રમે એક વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે SGVPના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીએ “સ્વરાજ્ય, સ્વબોધ ઓર ભારતીય ભાષાઓ કી ભૂમિકા” વિષય પર પોતાનું મુખ્ય વ્યાખ્યાન આપ્યું હતું.

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન દર્શન વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ રજનીશકુમાર શુક્લાએ શોભાવ્યું હતું. જ્યારે વેદાંત વિભાગના અધ્યક્ષ પ્રોફેસર સુધાકર મિશ્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંયોજન કરાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફેસરો, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વવિદ્યાલયના ગૌરવવંતા ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અને વિશ્વભરમાં સંસ્કૃત તથા ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર બદલ પૂજ્ય સ્વામીજીને વિશેષ પ્રશસ્તિપત્ર અને સરસ્વતી ભાંડાગારમાંથી પ્રાપ્ત હનુમાનજીની પ્રાચીન ચિત્રપ્રતિલિપિ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉદ્બોધનમાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે સંસ્કૃત આપણી સમસ્ત ભાષાઓની જનની છે. રામાયણ, મહાભારત, ગીતા અને ઉપનિષદોમાં આપણા સ્વરાજ્ય અને સ્વબોધનો ગહન મર્મ સમાયેલો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંસ્કૃતિની સુરક્ષા માટે આજે વેદ અને વિજ્ઞાન બંનેનો એકસાથે અભ્યાસ કરવો અનિવાર્ય છે.

આ પ્રસંગે સ્વામીજી દ્વારા લિખિત ગ્રંથ ‘શ્રીસ્વામિનારાયણ દર્શન સાર સંગ્રહ’ની નવી આવૃત્તિનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષીય પ્રવચનમાં પ્રોફેસર રજનીશકુમાર શુક્લાએ ભગવાન સ્વામિનારાયણની પવિત્ર પરંપરાને આગળ ધપાવવા બદલ પૂજ્ય સ્વામીજીના સેવાકાર્યોની સરાહના કરી હતી. આ સમારોહમાં અનેક વરિષ્ઠ વિદ્વાનો અને સોથી પણ વધુ પંડિતો ઉપસ્થિત રહ્યા હતા.