અમદાવાદ: તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશક પૂરના લીધે સર્જાયેલી ભારે તારાજી, જાનમાલના નુકસાન અને લાપતા થયેલા લોકોની આત્મશાંતિ તથા પીડિતોની સહાય અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) ખાતે વિશેષ પ્રાર્થના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
SGVPના અધ્યક્ષ ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ઋષિકુમારો અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સાથે મળીને ગાયત્રી યજ્ઞ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે સવા લાખ (૧,૨૫,૦૦૦) ગાયત્રી મંત્રની આહુતિઓ યજ્ઞનારાયણને અર્પણ કરીને નેપાળના અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, “આ આફત માત્ર કુદરતી કોપ નથી પણ મનુષ્ય દ્વારા પ્રકૃતિ સાથે કરાતાં અનિયંત્રિત ચેડાંનું પરિણામ છે. માનવજાતે પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને પહોંચાડેલા નુકસાન અંગે હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.”
આ સાથે SGVP સંસ્થા દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા જાહેરાત કરવામાં આવી હતી કે, નેપાળના પૂરથી પ્રભાવિત થયેલા પરિવારના બાળકોના અભ્યાસ માટે SGVP ગુરુકુલ દ્વારા ‘વિદ્યા સહાય’ પૂરી પાડવામાં આવશે.




