અભિનેતા શરદ કપૂર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પાસે મદદની અપીલ કરી હતી. ત્યારબાદ અનેક કલાકારો તેમની મદદ માટે આગળ આવ્યા છે. સોનૂ સૂદ અને સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાન અને જાવેદ અખ્તરનું નામ પણ મદદ કરનારા કલાકારોની યાદીમાં સામેલ થયું છે.

તાજેતરમાં વરિન્દર ચાવલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શરદ કપૂરે આ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે નાના-મોટા તમામ કલાકારો તેમની સ્થિતિને લઈને ચિંતિત હતા. આ યાદીમાં સોનૂ સૂદ, સલમાન ખાન, શાહરૂખ ખાન, રાજપાલ યાદવ અને જાવેદ અખ્તર જેવા નામ સામેલ છે. શરદે તમામનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમના મિત્ર અરમાન કોહલી પણ તેમની સ્થિતિને લઈને ખૂબ ચિંતિત હતા. અરમાને તેમને જરૂર પડ્યે કોઈપણ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી.
ડોગ શેલ્ટર ચલાવતી મિત્રે શરદની સ્થિતિ વિશે કરી વાત
શરદ કપૂરની મિત્ર હેમા ચૌધરીએ તાજેતરમાં ‘બોલિવૂડ કટ અનકટ’ પોડકાસ્ટમાં અભિનેતાની સ્થિતિ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ ‘બેજુબાન ટ્રસ્ટ’ નામનું ડોગ શેલ્ટર ચલાવે છે. આ જ સંદર્ભમાં તેઓ શરદ કપૂરના વિસ્તારમાં કેટલાક કૂતરાઓને બચાવવા પહોંચ્યાં હતાં, જ્યાં તેમની મુલાકાત અભિનેતા સાથે થઈ હતી.ત્યારબાદ જ્યારે તેઓ શરદના રૂમમાં ગયાં ત્યારે ત્યાંની સ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયાં હતાં. આ પછી તેમણે શરદની મદદ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને અપીલ કરી હતી.
સોનૂ સૂદે કરી મુલાકાત, કામ અને મેડિકલ મદદની આપી ખાતરી
થોડા સમય પહેલાં સોનૂ સૂદ પણ શરદ કપૂરને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. અહેવાલો અનુસાર, સોનૂએ શરદ સાથે એવા એક પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી, જેના દ્વારા તેઓ ફરીથી કામ શરૂ કરી શકે. આ ઉપરાંત સોનૂએ તેમને મેડિકલ સહાય આપવાની પણ ખાતરી આપી હતી.
સોનૂ સૂદે જણાવ્યું હતું કે શરદ કપૂરની ઇચ્છા છે કે તેઓ સન્માન સાથે ફરીથી કામ કરી શકે. હવે શાહરૂખ ખાન, સલમાન ખાન, જાવેદ અખ્તર સહિતના કલાકારો તરફથી મળેલા સહયોગ બાદ શરદ કપૂરને ફરી કામ પર પરત ફરવામાં મદદ મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.






