વેરાયટીની વિશ્વના 100 સર્વશ્રેષ્ઠ સુપરસ્ટાર્સની યાદીમાં SRKનું નામ

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. વિશ્વભરમાં પોતાની અભિનયક્ષમતા અને લોકપ્રિયતા માટે જાણીતા શાહરૂખ ખાનને પ્રતિષ્ઠિત મેગેઝિન Varietyની ‘ઓલ ટાઈમ 100 ગ્રેટેસ્ટ સુપરસ્ટાર્સ’ની યાદીમાં સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં સ્થાન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય અભિનેતા છે.

શાહરૂખ ખાનને તેમના ચાહકો પ્રેમથી ‘કિંગ ખાન’ અને ‘બોલિવૂડના બાદશાહ’ તરીકે ઓળખે છે. તેમની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં જોવા મળે છે. દર વર્ષે ઈદ અને તેમના જન્મદિવસે મુંબઈમાં તેમના ઘર ‘મન્નત’ની બહાર ચાહકોની મોટી ભીડ એકઠી થાય છે. તેમની આ વૈશ્વિક લોકપ્રિયતાનો પડઘો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળ્યો છે.

યાદીમાં શાહરૂખ ખાનને મળ્યું 92મું સ્થાન
Variety દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં શાહરૂખ ખાનને 92મું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં તેમણે મેરિલીન મનરો, ચાર્લી ચેપ્લિન, જેક નિકોલ્સન, કેથરિન હેપબર્ન અને ટોમ ક્રૂઝ જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્થાન મેળવ્યું છે.

યાદીના ટોપ-5માં પ્રથમ સ્થાને મેરિલીન મનરો છે. જ્યારે બીજા સ્થાને હમ્ફ્રી બોગાર્ટ, ત્રીજા સ્થાને ચાર્લી ચેપ્લિન, ચોથા સ્થાને જેક નિકોલ્સન અને પાંચમા સ્થાને કેથરિન હેપબર્ન છે. આ વૈશ્વિક યાદીમાં સ્થાન મળવું શાહરૂખ ખાનની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા અને સિનેમામાં તેમના યોગદાનને દર્શાવે છે.

ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે શાહરૂખ ખાન

વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન આગામી સમયમાં ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા તેમની પુત્રી સુહાના ખાન પણ મોટા પડદે ડેબ્યૂ કરશે.

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને અભય વર્મા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. હવે ચાહકો શાહરૂખ ખાનની આ આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.