શાહની સુદર્શન રેડ્ડી પરની ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણઃ 18 ભૂતપૂર્વ જજો

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી પર ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં નક્સલવાદનું સમર્થન કરવાનો આક્ષેપ કર્યો હતો. શાહના આક્ષેપોનો જવાબ સુદર્શન રેડ્ડીએ એક ઇન્ટરવ્યુમાં આપ્યો હતો. હવે 18 નિવૃત્ત ન્યાયાધીશોના જૂથએ જણાવ્યું છે કે ઊંચા પદ પર બેસેલી વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પૂર્વગ્રહપૂર્ણ ખોટી વ્યાખ્યા ન્યાયાધીશોના મન પર નકારાત્મક અસર કરી શકે છે.

શાહની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કુરિયન જોસેફ, ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સહિતના 18 નિવૃત્ત ન્યાયાધીશોએ કહ્યું હતું કે સલવા જુડુમ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની જાહેરમાં ખોટી વ્યાખ્યા કરનાર ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. આ ચુકાદો ન તો સ્પષ્ટ રીતે અને ન તો કોઈ અવ્યક્ત અર્થમાં નક્સલવાદ કે તેની વિચારધારાનું સમર્થન કરે છે.

જે નિવેદન પર હસ્તાક્ષર કરનારામાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એ. કે. પટનાયક, ન્યાયમૂર્તિ અભય ઓકા, ન્યાયમૂર્તિ ગોપાલ ગૌડા, ન્યાયમૂર્તિ વિક્રમજિત સેન, ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ, ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સામેલ છે. તેમણે કહ્યું હતું કે કોઈ ઊંચા રાજકીય હોદ્દેદાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પૂર્વગ્રહપૂર્ણ ખોટી વ્યાખ્યા કરવાથી ન્યાયાધીશોના મન પર નકારાત્મક અસર પડી શકે છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નુકસાન થઈ શકે છે.

શાહે શું કહ્યું હતું?

ગૃહપ્રધાન શાહે કેરળમાં કહ્યું હતું કે સુદર્શન રેડ્ડી એ જ વ્યક્તિ છે જેમણે નક્સલવાદને મદદ કરી. તેમણે સલવા જુડુમ પર ચુકાદો આપ્યો. જો સલવા જુડુમ પર ચુકાદો આપવામાં આવ્યો ન હોત, તો નક્સલી આતંકવાદ 2020 સુધીમાં સમાપ્ત થઈ ગયો હોત. જોકે સુદર્શન રેડ્ડીએ કહ્યું હતું કે તેમની ઇચ્છા છે કે અમિત શાહ 40 પાનાંનો ચુકાદો વાંચે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જો તેમણે ચુકાદો વાંચ્યો હોત તો કદાચ તેઓ આ ટિપ્પણી ન કરતા.