ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને શત-પ્રતિશત નામાંકન સુનિશ્ચિત કરવા માટે આજથી ભવ્ય ‘શાળા પ્રવેશોત્સવ’નો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. શિક્ષણ ક્ષેત્રે વ્યાપક જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાતો આ શૈક્ષણિક મહોત્સવ તા. 23 જૂનથી 25 જૂન, 2026 સુધી એમ સળંગ ત્રણ દિવસ ચાલશે. આ ત્રિદિવસીય મહાઅભિયાન અંતર્ગત રાજ્યના ખૂણે-ખૂણામાં ઉત્સાહભેર કાર્યક્રમો યોજીને લાખો કુમળા બાળકોને અક્ષરજ્ઞાનના પ્રથમ પગથિયે આદરપૂર્વક પ્રવેશ કરાવવામાં આવશે, જેને લઈને સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાલ્યકાળની શાળા વડનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે શરૂઆત
આ વર્ષના શાળા પ્રવેશોત્સવનું એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પાસું એ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અભિયાનની રાજ્યકક્ષાની શરૂઆત ઐતિહાસિક નગરી વડનગરની ‘બી.એન. હાઈસ્કૂલ’થી કરશે. ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બાળપણનું પ્રાથમિક શિક્ષણ આ જ શાળામાં મેળવ્યું હતું. વડનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે આંગણવાડીના બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી લઈને ધોરણ ૧૧ સુધીના કુલ ૩૮૯ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાશે. બીજી તરફ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે આયોજિત સ્થાનિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધારશે.
28.58 લાખથી વધુ બાળકોનો શૈક્ષણિક પ્રવેશોત્સવ: ઉંમરના નવા માપદંડ
આ વર્ષે રાજ્ય સરકારે પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે વ્યાપક આયોજન કર્યું છે, જેના ભાગરૂપે રાજ્યની કુલ 38.400 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અંદાજે 28 લાખ 58 હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. આ પ્રવેશોત્સવમાં બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૯ અને ધોરણ 11ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સરકારી નિયમ અનુસાર, જે બાળકોની ઉંમર 1 જૂનના રોજ 5 વર્ષથી વધુ અને 6 વર્ષથી ઓછી હશે તેમને ‘બાલવાટિકા’માં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 6 વર્ષથી વધુ અને 7 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને ધોરણ-૧ માં બેસાડવામાં આવશે. આ ઉપરાંત, પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ-8 પાસ કરનારા વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના ધોરણ-9 માં અને ધોરણ-10 ની બોર્ડ પરીક્ષા પાસ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ માં પ્રવેશ આપીને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહિત કરાશે.
465 ઉચ્ચ મહાનુભવો મેદાને, શિક્ષણ વ્યવસ્થાની કરશે સમીક્ષા
શિક્ષણના આ મહાયજ્ઞને સફળ બનાવવા માટે માત્ર શિક્ષકો જ નહીં પરંતુ રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર રસ્તા પર ઉતર્યું છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, સ્થાનિક પદાધિકારીઓ ઉપરાંત રાજ્યના ટોચના આઇએએસ (IAS), આઇપીએસ (IPS), આઇએફએસ (IFS) અધિકારીઓ અને સચિવાલયના વરિષ્ઠ સચિવો સહિત કુલ ૪૬૫ ઉચ્ચ મહાનુભવો સીધા સહભાગી બન્યા છે. નિયુક્ત કરાયેલા દરેક મહાનુભાવ દરરોજ ૩ જુદી-જુદી શાળાઓની રૂબરૂ મુલાકાત લેશે. તેઓ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જઈને બાળકોને આવકારશે, વાલીઓ સાથે સંવાદ કરશે અને શાળાઓમાં પીવાના પાણી, સેનિટેશન તેમજ ડિજિટલ ક્લાસરૂમ જેવી શિક્ષણ વ્યવસ્થાની સઘન સમીક્ષા કરીને તેનો અહેવાલ સરકારને સોંપશે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ:
વર્ષ ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટા માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ ‘શિક્ષણ સેવા યજ્ઞે’ આજે ૨૩ વર્ષ બાદ ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં એક અતૂટ અને ગૌરવશાળી પરંપરાનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે રાજ્યમાં ડ્રોપ-આઉટ રેશિયો નહિવત થયો છે.




