અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)માં 2023-25ના PGDM ક્લાસ માટે 14મો દીક્ષાંત સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહેમાનો, ફેકલ્ટિ સભ્યો, પરિવારો અને કોર્પોરેટ આમંત્રિતો ખાસ હાજર રહ્યા. આ વર્ષે કુલ 199 સ્નાતકોએ તેમના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રાપ્ત કર્યા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ITC લિમિટેડના બિસ્કિટ અને કન્ફેક્શન્સ, બિઝનેસ યુનિટના ચીફ એક્ઝિક્યુટિવ કવિતા ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, “તમારી વ્યાવસાયિક સફરમાં, સ્માર્ટ વર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો, કાર્યક્ષેત્રમાં અને એવી ભૂમિકાઓ ભજવવા માટે ક્યારેય અચકાશો નહીં જેમાં તમને લાગે છે કે તમે શ્રેષ્ઠ કરી શકો છો. નિષ્ફળતા ફક્ત એક અલ્પવિરામ છે – પ્રયત્ન કરતા રહો, તમારું મૂલ્ય જાણો અને દરેક વ્યક્તિ સાથે આદરપૂર્વક વર્તીને સફળ બનો.”
શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)ના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ સંબોધન કરતા કહ્યું, “શિક્ષણ ત્યારે અર્થપૂર્ણ બને છે જ્યારે તે કોઈ સારા હેતુ અને યોગદાન તરફ દોરી જાય છે. જેમ-જેમ તમે આગળ વધો છો, તેમ-તેમ જિજ્ઞાસા રાખો, પ્રામાણિકતા સાથે નેતૃત્વ કરો અને તમારા કાર્યોને SBSમાં આપવામાં આવેલા મૂલ્યોને પ્રતિબિંબિત થવા દો. પેશન, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સિ સફળતા તરફ દોરી જાય છે. તમે જ્યાં પણ જાવ ત્યાં આત્મવિશ્વાસ, નમ્રતા અને પ્રભાવ પાડવાની હિંમત સાથે લઈ જાઓ.
ચિરિપાલ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ બ્રિજમોહન ચિરિપાલે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. કોન્વોકેશનની ઔપચારિક ઘોષણા એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈએ કરી હતી.
આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓને શૈક્ષણિક વિશિષ્ટતા માટે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. PGDMમાં સુવરંજન સુબુધી અને PGDM (માર્કેટિંગ)માં હર્ષિતા ગુપ્તાને ઓવરઓલ એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અકેડેમિક ટોપર્સ તરીકે – વર્ષિતા શર્મા, વિજયવર્ગીય મયંક, સાક્ષી ભટ્ટ, કડિયા દર્શ, વૃંદા શુક્લા અને જય નિષાદને પણ તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વર્ષના સ્નાતક જૂથે ડેલોઇટ, નેસ્લે, એસ એન્ડ પી ગ્લોબલ, કાંતાર, એશિયન પેઇન્ટ્સ, ફેડરલ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, એચ.ડી.એફ.સી., પરફેટી વાન મેલે સહિત અગ્રણી રાષ્ટ્રીય અને વૈશ્વિક સંસ્થાઓમાં પ્લેસમેન્ટ મેળવ્યું છે.




