શરદ પવાર જૂથ NDAમાં સામેલ થવાની શક્યતા

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર હલચલ તેજ બની છે. એવી અટકળો ચાલી રહી છે કે શરદ પવારના નેતૃત્વવાળી NCP (શરદ પવાર જૂથ) નવો રાજકીય માર્ગ શોધી રહી છે. ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસમાં વિલયની શક્યતા નબળી પડ્યા બાદ પક્ષ હવે સત્તાધારી NDA સાથે જોડાવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યો છે. જોકે પક્ષે આ તમામ દાવાઓને સખતપણે નકારી કાઢ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર NCP (શરદ પવાર જૂથ)એ કોંગ્રેસમાં વિલયનો પ્રસ્તાવ બે વખત આપ્યો હતો. કહેવાય છે કે સોનિયા ગાંધીએ આ મુદ્દે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે ચર્ચા કરવા જણાવ્યું હતું, પરંતુ કોંગ્રેસના નેતૃત્વે રાજ્ય એકમની સલાહ લેવાની વાત કરી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટા ભાગના નેતાઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જેને કારણે હાલ વિલયની શક્યતા નબળી માનવામાં આવી રહી છે.

આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે પક્ષના કેટલાક સાંસદો અને ધારાસભ્યો સત્તારૂઢ ગઠબંધન સાથે જવા અથવા બહારથી સમર્થન આપવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. અહીં સુધી કે સુપ્રિયા સુલે સહિત કેટલાક સાંસદો NDAમાં જોડાય અને તેમને કેન્દ્રમાં મહત્વપૂર્ણ જવાબદારી મળે તેવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે. જોકે આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શરદ પવાર જૂથ આ તમામ ચર્ચાઓને અફવા ગણાવી છે. NCP (SP)ના નેતા રોહિત પવારે જણાવ્યું  હતું કે ન તો પક્ષ કોંગ્રેસમાં વિલય કરશે અને ન તો એનડીએમાં જોડાવા કે બહારથી સમર્થન આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થાય છે. તેમના મુજબ આ માત્ર રાજકીય અટકળો છે અને તેમાં કોઈ સત્યતા નથી.

બીજી તરફ ભાજપ તરફથી પણ આ અટકળોને લઈને પ્રતિક્રિયા આવી છે. ભૂતપૂર્વ મંત્રી સુધીર મુનંગટીવારે જણાવ્યું કે કોંગ્રેસ હવે ડૂબતી નાવ બની ગઈ છે અને જો શરદ પવારની પાર્ટી દેશહિતમાં NDA સાથે આવવા માગતી હોય તો તેમનું સ્વાગત છે. હાલમાં એનસીપી (શરદ પવાર જૂથ) આ તમામ ચર્ચાઓને સતત નકારી રહી છે અને કોઈ પણ પ્રકારના રાજકીય ફેરફારથી ઇનકાર કરી રહી છે. જોકે મહારાષ્ટ્રના રાજકારણમાં સમીકરણો ક્યારે બદલાઈ જાય તે કહેવું મુશ્કેલ છે. તેથી ભવિષ્યમાં શરદ પવારની પાર્ટી કયો રાજકીય નિર્ણય લે છે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે.