શરદ પવારની તબિયત ફરી લથડી, હોસ્પિટલમાં દાખલ

એનસીપીના અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)ની તબિયત લથડતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતને લઈને ડૉક્ટર પ્રતીત સમદાનીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે શરદ પવારને ખાંસી અને ઇન્ફેક્શનની સમસ્યા છે, જેમાં બ્રોન્કાઇટિસ જેવાં લક્ષણો જોવા મળ્યાં છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

ડૉક્ટરે શું કહ્યું?

ડૉક્ટર પ્રતીત સમદાનીએ શરદ પવારની તબિયત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘શરદ પવારને ગઈકાલે રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ખાંસી અને ઇન્ફેક્શન થયું છે, જેમાં બ્રોન્કાઇટિસ જેવાં લક્ષણો જોવા મળ્યાં છે. તેમની સારવાર ચાલી રહી છે અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે.’

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શરદ પવારને પુણેની રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ બે દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને તેમના સ્વાસ્થ્યના સમાચાર પણ પૂછ્યા હતા.

પીએમ મોદીએ શરદ પવાર સાથે કરી હતી વાત

શરદ પવારના નજીકના મિત્ર વિઠ્ઠલ મણિયારે મીડિયાને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત દરમિયાન શરદ પવારને કહ્યું હતું કે, ‘સુપ્રિયા સુળે તૈયાર થઈ ગયાં છે અને અમે દેશની જવાબદારી સંભાળવા તૈયાર છીએ. તમે દેશની ચિંતા ન કરો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.’

આ વાતચીત દરમિયાન શરદ પવારે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે તમે બધા છો, ત્યારે મારે દેશની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું કામ આગળ વધારતા રહો.’