શિંદે જૂથે મહારાષ્ટ્રમાં સોનિયા ગાંધીના પુસ્તક પ્રતિબંધ મૂકવાની માગ

મુંબઈઃ કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તકને લઈને વિવાદ ઊભો થયો છે. બુધવારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ આ પુસ્તકનો વિરોધ કર્યો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન શિવસેનાના અનેક નેતાઓએ પુસ્તકનો વિરોધ કરતાં તેનાં પાનાં ફાડી નાખ્યાં હતાં.

શિંદે જૂથની શિવસેનાએ પુસ્તકમાં વીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરે વિશે કરવામાં આવેલી ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો છેઆ દરમિયાન શિવસેનાના નેતાઓએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું હતું. નેતાઓએ કહ્યું કે બાળાસાહેબ ઠાકરે અને વીર સાવરકરનું અપમાન થવા છતાં ઉદ્ધવ ઠાકરેએ એક શબ્દ પણ બોલ્યા નથી. ઊલટાનું તેઓ કોંગ્રેસના નેતા પાસેથી ખુશ થઈને આ પુસ્તક સ્વીકારી રહ્યા છે.

શું છે મામલો?

શિંદે જૂથના નેતાઓનું કહેવું છે કે સોનિયા ગાંધીના પુસ્તકના પેજ નંબર 201 પર જે લખવામાં આવ્યું છે તે બાળાસાહેબ ઠાકરે અને મહારાષ્ટ્રનું અપમાન છે. પુસ્તકમાં વીર સાવરકરનું પણ અપમાન કરવામાં આવ્યું છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે વીર સાવરકરે અંગ્રેજો પાસે માફી માગી હતી અને તેમને પત્રો લખ્યા હતા.

‘પુસ્તકનું નામ બેલોંગ ઓફ લવ નહીં, બેલોંગ ઓફ જિહાદ હોવું જોઈએ‘: શિંદે જૂથ

શિવસેનાના શિંદે જૂથના નેતાઓએ કહ્યું, “આ પુસ્તકનું નામ ‘બેલોંગ ઓફ લવ’ નહીં, પરંતુ ‘બેલોંગ ઓફ જિહાદ’ હોવું જોઈએ, કારણ કે આ પુસ્તક હિન્દુત્વ વિરોધી છે. નેતાઓએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વીર સાવરકરનું અપમાન સહન કરવામાં આવશે નહીં. શિંદે જૂથની શિવસેનાના નેતાઓએ સોનિયા ગાંધીના પુસ્તકનાં પાનાં ફાડીને વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંજય નિરુપમે પણ નિવેદન આપ્યું હતું. સંજય નિરુપમે કહ્યું હતું કે આજે અમારો ઉદ્ધવ ઠાકરેને સવાલ છે કે જે સોનિયા ગાંધીના પુસ્તકમાં વીર સાવરકરનું અપમાન કરવામાં આવ્યું છે, તે સોનિયા ગાંધી વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. અમે આ પુસ્તકનો વિરોધ કરીએ છીએ. અમને મહારાષ્ટ્ર સરકાર પાસેથી અપેક્ષા છે કે આ પુસ્તક પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવે.