મુંબઈઃ મહારાષ્ટ્રનાં રાજકીય વર્તુળોમાં ફરી એક વાર શિવસેના (UBT)માં મોટા વિભાજનની ચર્ચા તેજ બની છે. એવી અટકળો છે કે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનના પાંચ સાંસદો પાર્ટીથી અલગ થઈને સ્વતંત્ર જૂથ બનાવવાની તૈયારીમાં છે. આ અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ રવિવારે પાર્ટીના સાંસદો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ઠાકરેએ આ મુદ્દે ખુલ્લેઆમ ચર્ચા કરતાં નેતાઓને આકરો સંદેશ આપ્યો હતો. સાંસદોને સંબોધતાં તેમણે ભાવુક પરંતુ દૃઢ સ્વરે કહ્યું હતું કે ભલે હાલમાં સમય તેમના પક્ષમાં ન હોય, પરંતુ ભવિષ્ય ચોક્કસપણે તેમનું જ હશે. તેમણે નેતાઓને સારા દિવસો આવે ત્યાં સુધી ધીરજ રાખવા અને સંઘર્ષ ચાલુ રાખવા અપીલ કરી હતી.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે વ્યક્તિ પોતે જ પાર્ટી છોડવા માગે છે, તેને બળજબરીથી રોકવાનો શું અર્થ? જો કોઈ જવા માગે છે, તો તેને જવા દો. હું માત્ર તેને શુભેચ્છા આપી શકું છું અને આશા રાખું છું કે જ્યાં જાય ત્યાં તેને વધુ સારું મળે.
2022ના બળવાનો ઉલ્લેખ
આ બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં થયેલા ઐતિહાસિક બળવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે સમયે ચાલી રહેલી પ્રવૃત્તિઓથી તેઓ અજાણ નહોતા. તેમને બધી જ ખબર હતી, પરંતુ કોઈ નેતા પર રોકાવા માટે દબાણ લાવવાના તેઓ પક્ષમાં નહોતા.
TMCના મોડેલ પર ચાલી શકે છે ‘નારાજ’ સાંસદો
રાજકીય વિશ્લેષકોના મતે હાલની પરિસ્થિતિને જોતા શિવસેના (UBT)ના નારાજ સાંસદો TMC જેવો માર્ગ અપનાવી શકે છે. એવી ચર્ચા છે કે તેઓ બીજી પાર્ટીમાં જોડાવાને બદલે ઉદ્ધવ ગઠબંધનથી અલગ થઈને સંસદમાં સ્વતંત્ર જૂથ બનાવી શકે છે. ત્યાર બાદ આ જૂથ બહારથી NDAને સમર્થન આપી શકે છે.

શિવસેનામાં થશે પાંચમો મોટો બળવો?
જો આ પાંચ સાંસદોનો બળવો થશે તો તે શિવસેનાના ઇતિહાસમાં પાંચમું મોટું વિભાજન ગણાશે. અગાઉ પણ પાર્ટીને અનેક મોટા ઝટકા લાગ્યા છે:
- 1991માં છગન ભુજબળે બળવો કર્યો હતો.
- 2005માં નારાયણ રાણેએ શિવસેના છોડી હતી.
- 2006માં રાજ ઠાકરેએ અલગ થઈને MNSની સ્થાપના કરી હતી.
- 2022માં એકનાથ શિંદેની આગેવાનીમાં સૌથી મોટો બળવો થયો હતો, જેને કારણે સરકાર પડી ગઈ હતી અને પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી.






