લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ચર્ચિત શિવા શર્મા મૃત્યુ કેસમાં આરોપી મોડલ શ્રદ્ધા દુબેની યુપી STFએ ધરપકડ કરી છે. પોલીસે શ્રદ્ધા દુબેની નાગપુરથી ધરપકડ કરી છે. તેની સાથે તેની બહેન રશ્મિ દુબે અને ડ્રાઇવર દાનિશની પણ ધરપકડ કરવામાં આવી છે. નાગપુર પોલીસનાં સૂત્રોએ ધરપકડની પુષ્ટિ કરી છે. શ્રદ્ધા ઘણા દિવસોથી ફરાર હતી. પોલીસે તેના પર 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
યુપી STF કરી ધરપકડ
નાગપુર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશ પોલીસ સાથે મળીને ગઈ કાલ રાતથી કાર્યવાહી કરી રહી હતી. આખરે શ્રદ્ધા દુબેની ધરપકડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ રિમાન્ડની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવશે.
લખનઉ પોલીસે જણાવ્યું હતું કે હજરતગંજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા શિવા શર્મા કેસમાં 50,000 રૂપિયાનું ઇનામ ધરાવતા ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફરાર આરોપીઓ શ્રદ્ધા દુબે, ડ્રાઇવર દાનિશ અને રશ્મિ દુબે પર પ્રત્યેક 50-50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. લખનઉ પોલીસ અને યુપી એસટીએફની સંયુક્ત ટીમે નાગપુર પોલીસની મદદથી ત્રણેયની નાગપુરથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લખનઉ લાવવામાં આવી રહ્યા છે.

શ્રદ્ધા દુબેએ પણ આપી હતી સફાઈ
આ પહેલાં શ્રદ્ધા દુબેએ વાતચીત દરમિયાન પોતાની સફાઈ આપતાં દાવો કર્યો હતો કે શિવા શર્માનું મૃત્યુ હત્યા નહીં, પરંતુ આત્મહત્યા હતી. તેણે શિવા દેવાંમાં ડૂબેલો હોવાને તેના મૃત્યુનું કારણ ગણાવ્યું હતું. શ્રદ્ધાએ એમ પણ કહ્યું હતું કે સીસીટીવી ફુટેજની તપાસથી તેની નિર્દોષતા સામે આવશે. શ્રદ્ધાએ આ ઘટનામાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે.
શ્રદ્ધા દુબેની ધરપકડમાં થયેલા વિલંબને લઈને પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા બાદ ડીસીપી વિક્રાંત વીરને તેમના પદ પરથી હટાવીને પોલીસ મુખ્યાલય સાથે જોડવામાં આવ્યા છે.






