અમદાવાદમાં પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે શરૂ કરાયેલા અનોખા અને માનવતાભર્યા પ્રયાસને હવે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમલમાં મુકાયેલ મહત્ત્વાકાંક્ષી આરોગ્ય અભિયાન મિશન ડિફીટ ડાયાબિટીઝને તેની વિશેષ અને વ્યાપક સફળતાઓ બદલ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન હોલ ખાતે આયોજિત સન્માન સમારોહમાં ટ્રસ્ટને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ બની.

આ ઉપયોગી અને સમાજકેન્દ્રિત પહેલના હેતુમાં એક જ ભાવના દબદ્દભભતી દેખાય છે. જે રક્ષે છે અમને, તેમના સ્વાસ્થ્યનું રક્ષણ અમે કરીએ. પોલીસ જવાનો દિવસ-રાત સતત ફરજની આગળેણીમાં પોતાનો આરામ અને પરિવારને પાછળ મૂકી સમાજને સુરક્ષિત રાખે છે. આવા જવાનોની તંદુરસ્તી માટે પ્રયાસરૂપે વિશ્વ ડાયાબિટીઝ દિવસે શહેરની પોલીસ ફોર્સ માટે ભવ્ય મેગા ડાયાબિટીઝ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ.પ્રકાશ કુર્મીએ જણાવ્યું કે આ અભિયાન દરમ્યાન અમદાવાદ શહેરના અંદાજે 65 પોલીસ સ્ટેશનો અને સમગ્ર ટ્રાફિક પોલીસ સ્ટાફને આવરી લેવા માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 15,000થી વધુ ટેસ્ટ કરવાની યોજના અંતર્ગત હાલ પહેલાના તબક્કામાં 6,000 ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. ડૉ. કુર્મીના જણાવ્યા પ્રમાણે લાંબી ફરજ, માનસિક દબાણ, ફરજની અનિયમિતતા અને શારીરિક થાકને કારણે પોલીસ કર્મચારીઓમાં ડાયાબિટીઝ અને તેના પરિણામે અન્ય ગંભીર સમસ્યાઓ વધતી જાય છે. આવા સમયમાં આ અભિયાન માત્ર ચકાસણી પૂરતું નહીં, પણ તેમના માટે લાંબા ગાળાની આરોગ્ય સુરક્ષા ઊભી કરવાનું એક મક્કમ પગલું છે.

આ કેમ્પમાં માત્ર મફત બ્લડ શુગર સ્ક્રિનિંગ જ નહીં, પરંતુ જેમાં જરૂર જણાઈ એવા પોલીસ કર્મચારીઓ માટે HbA1c, લિપિડ પ્રોફાઇલ, થાઇરોઇડ સહિતની મહત્વપૂર્ણ તપાસો પણ સંપૂર્ણ મફતમાં કરવામાં આવી હતી. સાથે સાથે ડાયાબિટીઝ નિષ્ણાતોએ પોલીસ જવાનોને મફત ઓનલાઈન કન્સલ્ટેશન, ડાયેટ કાઉન્સેલિંગ, યોગ માર્ગદર્શન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને લાઇફસ્ટાઇલ સુધારા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રયાસ એ સાબિત કરે છે કે આરોગ્ય માત્ર સારવારથી નહીં, પરંતુ સમજ, સમજણ અને સહકારથી મજબૂત બને છે.
ટ્રસ્ટે બીજા તબક્કામાં વધુ ડીપ ટેસ્ટિંગ—જેમાં HbA1cના પુનઃ પરીક્ષણો, થાઇરોઇડ પ્રોફાઇલ, લિપિડ ટેસ્ટ વગેરે—સંપૂર્ણ મફતમાં પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પોલીસ જવાનોને સ્વસ્થ જીવન તરફ દોરી જવા માટે આ અભિયાન એક દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પ્રયત્ન બની રહ્યું છે.
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટનું કહેવું છે કે આ અભિયાન માત્ર આરોગ્ય સેવા નથી, પરંતુ પોલીસ જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા અને માનની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. “જ્યારે રક્ષક સ્વસ્થ હશે, ત્યારે સમાજ મજબૂત રહેશે”—આ સંકલ્પ સાથે ટ્રસ્ટે વિશ્વ ડાયાબિટીઝ દિવસે ડાયાબિટીઝને હરાવવાની એક નવી દિશામાં પગલું ભર્યું છે.
ટ્રસ્ટ માટે અને સમગ્ર પોલીસ વિભાગ માટે આ સન્માન એ સાબિત કરે છે કે સમાજ માટેની સેવા અને માનવતાભર્યા કાર્યો હંમેશા માન્યતા મેળવે છે. ‘મિશન ડિફીટ ડાયાબિટીઝ’ ભવિષ્યમાં પોલીસ જવાનો માટે આરોગ્ય સુરક્ષાના નવા ધોરણો સ્થાપિત કરશે એવી આશા છે.


