સોમનાથ મહાદેવના ‘વસ્ત્ર પ્રસાદ’થી ગ્રામીણ બહેનો બની રહી છે આત્મનિર્ભર

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ધામમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને સામાજિક ઉત્થાનનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવતાં પવિત્ર વસ્ત્રોમાંથી ‘વસ્ત્ર પ્રસાદ’ બનાવીને ગ્રામીણ બહેનોને રોજીરોટી પૂરી પાડવાના શ્રી સોમનાથ ટ્રસ્ટના આ મહિલા સશક્તિકરણના પ્રકલ્પની કથાશ્રી મોરારીબાપુએ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પૂજ્ય બાપુએ સખીમંડળની બહેનો દ્વારા નિર્મિત કલાત્મક વસ્તુઓનું નિદર્શન કરીને હર્ષની લાગણી સાથે ટ્રસ્ટની આ કામગીરીને સાધુવાદ પાઠવ્યા હતા.
મહાદેવના વસ્ત્રોમાંથી કલાત્મક વસ્તુઓનું નિર્માણ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વ-સહાય જૂથો અને સખીમંડળ મારફતે સીવણકામ તથા રાચરચીલા નિર્માણની વિશેષ તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ બહેનોને સિલાઈ મશીન અને જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવે છે. તાલીમબદ્ધ બહેનો સોમનાથ મહાદેવને અભિષૂત થયેલી પાઘ અને પીતાંબરમાંથી અત્યંત કલાત્મક ઝભ્ભા, તોરણ, ચાકડા, ટોડલા, બ્રોચ અને પૂજા આસન તૈયાર કરે છે, જે શિવભક્તોને શિવત્વનો પરમ અનુભવ કરાવે છે. આ પ્રકલ્પના પરિણામે સ્થાનિક મહિલાઓ આત્મનિર્ભર બનીને ‘લખપતિ દીદી’ તરફ કદમ વધારી રહી છે.
૨૧,૦૦૦ વસ્ત્રોનું સેવાકાર્ય અને સામાજિક વિતરણ
ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં મહાદેવના પવિત્ર વસ્ત્રોમાંથી બહેનો દ્વારા નિર્મિત ૨૧,૦૦૦ જેટલા વસ્ત્રોનું રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ‘વસ્ત્ર પ્રસાદ’ સમયાંતરે વૃદ્ધાશ્રમો, દિવ્યાંગગૃહો અને ટ્રાઈબલ બેલ્ટના જિલ્લાઓમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ભક્તોની માંગને ધ્યાને રાખીને ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ (somnath.org) અને સોમનાથ સ્થિત સોવેનિયર કાઉન્ટર પર પણ આ વસ્ત્ર અને સુશોભન પ્રસાદ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેને દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ભક્તિ સાથે કલા અને શ્રેષ્ઠ પુનઃઉપયોગ (Recycling)
તાલીમ પામેલી બહેનો દ્વારા નિર્મિત ૫૦૦થી વધુ ઝભ્ભાનું સફળતાપૂર્વક વેચાણ થઈ ચૂક્યું છે. વિશેષ વાત એ છે કે, વસ્ત્રોના સિલાઈ બાદ વધતા લેસના પટ્ટા, માળા અને કટિંગનો ઉપયોગ કરીને ઘરની પવિત્રતા વધારતી ૫,૦૦૦થી વધુ ગૃહસુશોભનની કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવી છે.
‘સબકા સાથ, સબકા વિકાસ’નો મંત્ર થયો સાર્થક
પૂજ્ય મોરારીબાપુએ આ તમામ કલાત્મક સામગ્રીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી આદરભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રને સાકાર કરતી આ શ્રદ્ધા, કલા અને રોજગારીની ‘બેસ્ટ પ્રેક્ટિસ’ ખરેખર વંદનીય અને પ્રેરણાદાયી છે.