અમેરિકામાં છ વર્ષમાં સૌપ્રથમ વાર શટડાઉન

વોશિંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ સરકારનું સત્તાવાર રીતે શટડાઉન થઈ ગયું છે. ટ્રમ્પ સરકારના ફંડ પર હવે તાળું લાગી ગયું છે, કારણ કે સંસદમાંથી તેને જરૂરી મંજૂરી મળી શકી નથી. સરકાર પોતાનાં સ્પેન્ડિંગ બિલ સંસદમાંથી પાસ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. ત્યાર બાદ મધરાત પડતાં જ સરકારી ફંડિંગ સમાપ્ત થઈ ગયાં છે. આ છેલ્લાં છ વર્ષમાં સૌપ્રથમ વાર છે કે સરકારનું શટડાઉન થયું છે.

શટડાઉનનો અર્થ એ છે કે અમેરિકા ભરની સરકારી એજન્સીઓ તાત્કાલિક બંધ થઈ જશે. શટડાઉન હેઠળ, બિનઆવશ્યક માનવામાં આવતા ફેડરલ (કેન્દ્રીય) કર્મચારીઓને બિનવેતન રજામાં મૂકવામાં આવશે. સૈન્ય કર્મચારીઓ સહિત જરૂરી કર્મચારીઓને બિનવેતન કામ કરવું પડશે.

શટડાઉનનો શી અસર થશે?

અમેરિકામાં પહેલી ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ લાગુ પડે છે. પરંતુ આ વખતે ટ્રમ્પ સરકારનું સ્પેન્ડિંગ બિલ પાસ ન થતાં રાતે 12.01 વાગ્યે શટડાઉન શરૂ થઈ ગયું. આ વખતે કુલ સરકારી કર્મચારીઓમાંથી 40 ટકા એટલે કે લગભગ આઠ લાખ લોકોને બિનવેતન તાત્કાલિક રજા પર મોકલવામાં આવી શકે છે. જોકે કાનૂન વ્યવસ્થા, સરહદ સુરક્ષા, મેડિકલ અને હવાઈ સેવાઓ જેવી જરૂરી સેવાઓ ચાલુ રહેશે. ફૂડ સહાયતા કાર્યક્રમો, ખાદ્ય પદાર્થોની તપાસ, કેન્દ્ર સંચાલિત શાળાઓ, સ્ટુડન્ટ લોન જેવી સેવાઓને મર્યાદિત અથવા બંધ કરવાની શકયતા છે.

એ સિવાય શટડાઉનની અસર ટ્રાન્સપોર્ટ સેવાઓ પર દેખાશે. ઘણી એરલાઇન્સે સેવાઓ પર અસર થવાની આશંકા વ્યક્ત કરી છે. ફ્લાઇટો મોડી પડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે શટડાઉન જેટલો લાંબો ચાલશે, તેની પ્રતિકૂળ અસર એટલી જ વધારે થશે. તેઓ ચેતવણી આપી રહ્યા છે કે જો શટડાઉન લાંબો સમય ચાલશે તો બજારો પર તેની અસર પડી શકે છે અને અર્થતંત્ર પર પણ આંચકો આવી શકે છે.

શટડાઉન રોકવાનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ

અમેરિકામાં શટડાઉન ટાળવાના અંતિમ પ્રયાસરૂપે ટ્રમ્પ સરકારના ફંડિંગને સાત અઠવાડિયા વધારવા માટે મંગળવારે સેનેટમાં એક બિલ રજૂ થયું હતું. તેના પક્ષમાં 55 મત પડ્યા જ્યારે વિરોધમાં 45 મત પડ્યા. આ બિલ પાસ થવા માટે ઓછામાં ઓછા 60 મત જરૂરી હતા,પરંતુ એવું નથી થયું. વિરોધી ડેમોક્રેટિક પાર્ટીએ આરોપ મૂક્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી આરોગ્ય સંભાળ સંબંધિત તેમની માગણીઓ સ્વીકારી રહી નથી અને એવા સંજોગોમાં તેઓ સ્પેન્ડિંગ બિલને મંજૂરી ન આપીને સરકારનાં ફંડ પર તાળું મારી રહ્યા છે.