કર્ણાટકમાં સિદ્ધારમૈયા રહેશે CM કે DK શિવકુમાર સંભાળશે કમાન?

બેંગલુરુઃ કર્ણાટકના મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાઓ વચ્ચે રાજકીય વિશ્લેષકો CM સિદ્ધારમૈયા અને ઉપ મુખ્ય મંત્રી ડી.કે.શિવકુમારની નવી દિલ્હી યાત્રા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર નવેમ્બરમાં અઢી વર્ષ પૂરા કરવા જઈ રહી છે. કેટલાક લોકો તેને ‘નવેમ્બર ક્રાંતિ’ કહે છે. CM સિદ્ધારમૈયા સાથે થયેલા અઢી વર્ષના કહેવાતા કરાર મુજબ ડી.કે. શિવકુમાર હવે CM બનશે એવી અટકળોએ જોર પકડી છે.

CM સિદ્ધારમૈયા સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરે એવી શક્યતા છે. કોંગ્રેસ નેતાઓએ તેને શિસ્તભાવની મુલાકાત ગણાવી છે, પરંતુ સૂત્રો કહે છે કે સિદ્ધારમૈયા રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તાર પર ચર્ચા કરે એવી શક્યતા છે.રાજ્યનાં રાજકીય વર્તુળોમાં ખાસ કરીને સત્તાધારી કોંગ્રેસની અંદર, છેલ્લા થોડા સમયથી CM પદમાં બદલાવ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે પક્ષ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ વચ્ચે, ડી.કે. શિવકુમારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષપદેથી પોતે રાજીનામું આપ્યું હોવાના સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેઓ હજુ પણ પાર્ટીના અનુકૂળ અને શિસ્તબદ્ધ કાર્યકર છે. શિવકુમારે રવિવારે કોંગ્રેસ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.

કર્ણાટકના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારે મુખ્ય મંત્રી પદમાં બદલાવ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથેની તેમની મુલાકાતને ખાસ મહત્વ આપ્યું નથી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર નવેમ્બરમાં અઢી વર્ષ પૂરાં કરી રહી છે. કેટલાક લોકો તેને ‘નવેમ્બર ક્રાંતિ’ કહેવાં લાગ્યા છે. સિદ્ધારમૈયા સાથે થયેલા અઢી વર્ષના કહેવાતા કરાર મુજબ હવે શિવકુમાર CM બનશે, એવી અટકળો તેજ છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, જો કોંગ્રેસ હાઇકમાન્ડ મંત્રીમંડળ ફેરબદલને મંજૂરી આપે છે, તો તેનો અર્થ એ થશે કે વર્તમાન CM સિદ્ધારમૈયા પોતાનો કાર્યકાળ પૂરો કરશે. તેનાથી શિવકુમારના CM બનવાની શક્યતાઓ ઘટે એવી શક્યતા છે.