વૈશ્વિક બજારમાં ઊભી થયેલી નવી પરિસ્થિતિઓને કારણે સોનું અને ચાંદીના ભાવોમાં અચાનક જ ભારે તેજી જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવોમાં એક જ દિવસમાં મોટો ઉછાળો નોંધાયો છે, જેનાથી રોકાણકારો અને વેપારીઓ બંનેનું ધ્યાન આકર્ષાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત ટ્રેન્ડ અને અમેરિકી ડોલરમાં આવેલી નબળાઈને કારણે ભારતમાં પણ કિંમતી ધાતુઓના ભાવોમાં તેજી આવી છે.

મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીના ભાવમાં જોરદાર વધારો નોંધાયો હતો. મે મહિનામાં સપ્લાય થનારા ચાંદીના વાયદા કરારની કિંમતમાં લગભગ 10,442 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે ચાંદીની કિંમત લગભગ ચાર ટકાની તેજી સાથે વધીને 2,77,602 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ હતી. આ સત્ર દરમિયાન કુલ 2,265 લોટનો વેપાર નોંધાયો હતો, જે દર્શાવે છે કે બજારમાં ચાંદી માટે રોકાણકારોનો રસ વધ્યો છે.
ચાંદી સાથે સોનાના ભાવોમાં પણ તેજી જોવા મળી છે. સોનાની કિંમતોમાં લગભગ 2,000 રૂપિયાનો વધારો નોંધાયો છે અને તે લગભગ 1,62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થતું જોવા મળ્યું છે. બજારના આંકડા મુજબ સોનાએ 1,61,452 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો લો લેવલ અને 1,62,149 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હાઈ લેવલ નોંધાવ્યો છે.
વિદેશી બજારોમાં પણ કિંમતી ધાતુઓના ભાવોમાં મજબૂતી જોવા મળી રહી છે. ન્યૂયોર્કના બજારમાં મે કરાર માટે ચાંદીના વાયદા ભાવોમાં લગભગ 5.07 ડોલર અથવા લગભગ 6 ટકાનો વધારો નોંધાયો હતો. જેના પરિણામે ચાંદીની કિંમત લગભગ 89.59 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ છે. આ તેજી વૈશ્વિક રોકાણકારોની વધતી માંગ અને અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિઓને કારણે આવી હોવાનું માનવામાં આવે છે.

