મંદિર નિર્માણ માટે ભજનની આહલેક જગાવશે ગાયિકા મૈથિલી ઠાકુર

અમદાવાદ: તમે કોઇ મ્યુઝીકલ કોન્સર્ટમાં જઇને સંગીતનો આનંદ માણવાની સાથેસાથે કાંઇક સારું કામ કર્યાનો સંતોષ માણી શકો? હા, જો એ સંગીત સંધ્યા કોઇ ચોક્કસ ઉદ્દેશ સાથે, સારા હેતુ સાથે યોજાઇ હોય તો. આપણે ત્યાં કોઇને કોઇ સામાજિક-ધાર્મિક-સાંસ્કૃતિક હેતુ સાથે યોજાતી સંગીત સંધ્યાના ઉદાહરણો ઓછા નથી, પણ હવે એમાં ઉમેરો થઇ રહ્યો છે શહેરમાં 6 જૂનના રોજ યોજાનારી એક મ્યુઝીકલ ઇવનિંગથી.6 જૂનના રોજ અમદાવાદમાં બિહારની જાણીતી યુવા ગાયિકા અને ભાજપની યુવાન ધારાસભ્ય મૈથિલી ઠાકુરની એક ભજન સંધ્યા યોજાઇ રહી છે.વૃંદાવનમાં હાલ ઇસ્કોન સંપ્રદાય દ્વારા વિશ્વના સૌથી ઊંચા એવા વૃંદાવન ચંદ્રોદયા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ નિર્માણ પ્રક્રિયા વિશે લોકોને જાણકારી મળે અને એમાં લોકોનો આર્થિક સહયોગ મળી રહે એ માટે ટ્રસ્ટ દ્વારા મ્યુઝીક ફોર મંદિર એ અંતર્ગત મૈથિલી ઠાકુરની કુલ ચાર શહેરમાં સંગીત સંધ્યા યોજાઇ રહી છે.મુંબઇ ખાતે એક ઇવેન્ટ યોજાઇ ગયા પછી અમદાવાદ ખાતે આ બીજી ઇવેન્ટ 6 જૂનના રોજ યોજાશે. એ પછી બેંગલુરૂ અને પછી દિલ્હી એમ કુલ ચાર શહેરમાં આ ટૂરનું આયોજન થયું છે.100 એકરથી વધારે જગ્યામાં નિર્માણ થઇ રહેલા 17 માળ જેટલી ઊંચાઇ ધરાવતા આ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સુબોધ અગ્રવાલ કહે છે એમ, વૃંદાવન ચંદ્રોદય મંદિર વિશ્વનું સૌથી ઉંચુ મંદિર હશે. આમ તો એનું બાધકામ વર્ષ 2013માં શરૂ થયેલું, પણ વચ્ચે કોવિડ અને અન્ય સંજોગોના કારણે એ કામ અટકી ગયું હતું. હવે એનું કામ પૂરજાશેમાં ચાલે છે અને આ વર્ષના અંત સુધીમાં ફેઝ-1નું કામ પૂર્ણ થયે એનું ઉદઘાટન થઇ જશે.ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર પછી વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ ભવ્ય મંદિર બનશે. ઇસ્કોન-બેંગલુરૂ સાથે સંકળાયેલું આ વૃંદાવન ચંદ્રોદયા મંદિર ટ્રસ્ટ એની અક્ષયપાત્ર યોજના સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.