પશ્ચિમ બંગાળમાં બધી મદરેસાઓમાં વંદે માતરમ્ ગાવાનું ફરજિયાત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)ની તમામ મદરેસાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાજ્યના મદરેસા શિક્ષણ નિર્દેશાલયે આ અંગે તાત્કાલિક અસરથી નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર હવે રાજ્યની તમામ સરકારી, સરકારી સહાય પ્રાપ્ત અને માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં વર્ગો શરૂ થાય એ પહેલાં પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ગાવું અનિવાર્ય રહેશે.

સરકારના આ નિર્ણયને મદરેસા શિક્ષણ વ્યવસ્થામાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. જાહેર કરાયેલા નિર્દેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અગાઉ લાગુ તમામ આદેશો અને પરંપરાઓને રદ કરીને આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. તેના દાયરામાં સરકારી મોડલ મદરેસા, સહાય પ્રાપ્ત મદરેસા, બિનસહાય પ્રાપ્ત માન્યતા પ્રાપ્ત મદરેસા, એમએસકે અને એસએસકે સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અલ્પસંખ્યક કાર્ય અને મદરેસા શિક્ષણ વિભાગના મંત્રી ખુદીરામ ટુડુએ સરકારના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે રાજ્યની ઘણી સરકારી શાળાઓમાં સંતાલી ભાષામાં અભ્યાસ થાય છે અને ત્યાં પહેલેથી જ ‘વંદે માતરમ’ ગવાય છે. આવી સ્થિતિમાં મદરેસાઓમાં તેને લાગુ કરવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આ રાષ્ટ્રભાવના અને શિસ્ત સાથે જોડાયેલો વિષય છે.

આ પહેલાં રાજ્યના શિક્ષણ વિભાગે 13 મેની સાંજે એક સૂચના જાહેર કરીને તમામ સરકારી શાળાઓમાં પણ પ્રાર્થના સભા દરમિયાન ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત બનાવ્યું હતું. એ સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાં વર્ગો શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવશે. એ પછી મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ પણ આ સૂચનાને સત્તાવાર સોશિયલ મિડિયા હેન્ડલ પર શેર કર્યું હતું, જેના પછી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો. હવે શિક્ષણ વિભાગ બાદ મદરેસા શિક્ષણ નિર્દેશાલયના આદેશથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્ય સરકાર તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં એકસરખી પ્રાર્થના વ્યવસ્થા અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહી છે.