રાજકોટના સિતેંદરની U-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી

રાજકોટ: મારવાડી યુનિવર્સિટીના બેચલર ઑફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ (BPES) અભ્યાસક્રમના વિદ્યાર્થી સિતેંદરની પસંદગી આગામી U-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ-2026 માટે ભારતીય ટીમમાં કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 27 જુલાઈથી 2 ઓગસ્ટ, 2026 દરમિયાન અઝરબૈજાનના બાકુ શહેરમાં યોજાનારી છે.

ભારતીય કુસ્તી સંઘ (WFI) દ્વારા વિશ્વ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. જેમાં સિતેંદરને સ્થાન મળ્યું છે. લખનઉ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી ટ્રાયલ્સમાં તેણે શાનદાર દેખાવ કરતાં અત્યંત સ્પર્ધાત્મક 60 કિલોગ્રામ વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દેશભરના પ્રતિભાશાળી યુવા પહેલવાનો વચ્ચે યોજાયેલી આ ટ્રાયલ્સમાં સિતેંદરની સિદ્ધિ વધુ નોંધપાત્ર માનવામાં આવી રહી છે.આ સિદ્ધિ અંગે મારવાડી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિરેક્ટર ડૉ. રાજ શર્માએ જણાવ્યું હતું કે, “સિતેંદરની ભારતીય ટીમમાં પસંદગી વર્ષોની કઠોર મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનનું પરિણામ છે. વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટી ઉપલબ્ધિ છે અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની બાબત છે. અમને વિશ્વાસ છે કે તે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું ગૌરવ વધારશે.” સિતેંદરની પસંદગી મારવાડી યુનિવર્સિટીની રમતગમત ક્ષેત્રે વધતી સફળતાઓમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થઈ છે.

U-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ વિશ્વના ઉભરતા યુવા પહેલવાનો માટેનું સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચ માનવામાં આવે છે. આ સ્પર્ધામાં વિશ્વના શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ ભાગ લે છે. સિતેંદરની ભાગીદારી તેના વ્યક્તિગત કૌશલ્યને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવાની સાથે તેને અમૂલ્ય આંતરરાષ્ટ્રીય અનુભવ પણ પ્રદાન કરશે. સમગ્ર રમતજગતની નજર હવે સિતેંદરના પ્રદર્શન પર રહેશે.