ચંડીગઢઃ  ભારતની જાસૂસી કરવાનો અને પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં હરિયાણાની એક મશહૂર મહિલા યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. હિસારની રહેવાસી મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ થઈ છે. આ પહેલાં કૈથલથી એક યુવકની પણ ધરપકડ થઈ હતી. મહિલા યુટ્યુબરને પાણીપતમાંથી પકડી લેવામાં આવી છે.
હરિયાણા અને પંજાબમાંથી પોલીસ અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી ચૂકી છે, જે ભારત વિરુદ્ધ જાસૂસી કરી રહ્યા હતા. આરોપી મહિલા યુટ્યુબર અને અન્ય લોકો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંપર્કમાં હતા. હરિયાણા પોલીસે પહેલા કૈથલથી 25 વર્ષીય દેવેન્દ્ર, પાણીપતથી એક મુસ્લિમ યુવક અને નૂહમાંથી અન્ય એકની ધરપકડ કરી હતી, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પંજાબના મલેરકોટલા અને બઠિંડામાંથી પણ બે લોકોની ધરપકડ જાસૂસીના આરોપમાં કરવામાં આવી છે. હિસારની રહેવાસી જ્યોતિ મલ્હોત્રાના ઇન્સ્ટાગ્રામ પર 1.31 લાખ ફોલોઅર્સ છે. તેણે ગયા વર્ષે પાકિસ્તાનની યાત્રા દરમિયાનના ઘણા વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તે દુબઈ અને અન્ય દેશોમાં પણ મુસાફરી કરી ચૂકી છે. જ્યોતિના પ્રોફાઇલ મુજબ તેણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
 પોલીસની પૂછપરછમાં જ્યોતિએ જણાવ્યું હતું કે 2023માં પાકિસ્તાન જવા માટે વિઝાની પ્રક્રિયા માટે તે દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશન ગઈ હતી, જ્યાં તેની મુલાકાત અહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી.
પોલીસની પૂછપરછમાં જ્યોતિએ જણાવ્યું હતું કે 2023માં પાકિસ્તાન જવા માટે વિઝાની પ્રક્રિયા માટે તે દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશન ગઈ હતી, જ્યાં તેની મુલાકાત અહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી.
જ્યોતિએ પોલીસને જણાવ્યું કે તે બે વખત પાકિસ્તાન જઈ ચૂકી છે અને ત્યાં તેની વ્યવસ્થા અલીએ કરી હતી. અલી દ્વારા જ તેની મુલાકાત પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે કરાવવામાં આવી હતી. ત્યાર બાદ તે શાકિર અને રાણા શહબાજ સાથે પણ મળી હતી. ભારતમાં પાછા ફર્યા બાદ તે વોટ્સએપ, સ્નેપચેટ અને ટેલિગ્રામ દ્વારા સંપર્કમાં રહી હતી.
તેણી ઘણા વખતથી પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિશ સાથે પણ મળતી રહી છે. જ્યોતિએ કબૂલ્યું છે કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે પણ સંપર્કમાં રહી હતી. વિદેશ મંત્રાલયે 13 મેએ દાનિશને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. હવે હિસારના ન્યુ અગ્રસૈન એક્સટેન્શન વિસ્તારમાં રહેતી જ્યોતિની ધરપકડ થઈ છે. તેના વિરુદ્ધ ધારા 152 BNS અને ધારા 3, 4, 5 OS ACT 1923 હેઠળ કેસ દાખલ થયો છે.
 
         
            

